(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
શહેરના સચીન સેઝ એપ્રેલ પાર્કમાં આવેલી બાસવાડા સિન્ટેક્સ કંપની સાથે રૂા. ૧.૯૬ કરોડની છેતરપિંડી કરી બે આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ સચીન પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે આઈપીસી ૪૦૬ તથા ૪૨૦ મુજબનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન હાથ ધરી હતા. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સચીન સેઝ એપ્રેલ પાર્ક ખાતે આવેલા પ્લોટ નં.૫ અને ૬ ખાતે બાસવાડા સિન્ટેક્સ કંપની આવેલી છે. આ કંપનીમાં પ્રકાશ આચારી નોકરી કરે છે. આ કંપનીમાં પ્રશાંત કૃપાશંકર ત્રિપાઠી તથા ગોપાલ ક્રિષ્ણા ગૌર પણ પોતાની ફરજ બજાવે છે. પ્રશાંત અને ગોપાળ મૂળ રાજસ્થાનના વતની છે અને હાલમાં સચીન-પલસાણા રાજ અભિષેક સીટી હોમ ખાતે રહે છે. ગત ઓક્ટોબર ૨૦૧૫ થી ૨૦૧૮ના સમયગાળા દરમ્યાન આ બંને રાજસ્થાની આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં જેઓ કંપનીમાંથી કામ છોડીને જતા રહ્યાં હતા. તેવા ૪૦ થી ૫૦ કર્મચારીઓના જે તે મહિનામાં કામ કર્યું ન હોવા છતાં પણ પગાર પત્રકના ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી પગાર પત્રકમાં ખોટી સહીઓ કરી અંગૂઠાઓ કર્યા હતા. આ સાથે કેટલાય કર્મચારીઓના એટીએમ કાર્ડ બનાવી પોતાની પાસે રાખી તેના મારફતે નાણાં ઉપાડી પણ લેવામાં આવ્યા હતા. આમ કંપની સાથે કુલ રૂા. ૧.૯૬ કરોડની ઉચાપત કરી વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. સચીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.