(એજન્સી) ગોરખપુર,તા.૧૬
શાળાના મેદાનમાં આવેલા કેટલાક વૃક્ષો હાઈ-ટેન્શન વાયરના સંપર્કમાં આવવાથી ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં પ૧ વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના સવારે દસ વાગ્યે બની હતી. વિદ્યાર્થીઓ પોતાના પગરખા ઉતારી મેદાનમાં બેસવા જતાં તેમને કરંટ લાગ્યો હતો. બલરામપુરની નારાયણનગર પ્રાયમરી શાળામાં આ ઘટના બની હતી. બલરામપુર રાજ્યની રાજધાની લખનૌથી ૧૬૦ કિ.મી.ના અંતરે છે. આ ભયાનક ઘટનામાં શાળાના શિક્ષકોએ ૬૦ જેટલા બાળકોની ચીસો સાંભળી હતી. શિક્ષકો બાળકો તરફ દોડી ગયા હતા. વીજ કરંટ લાગવાને કારણે કેટલાક બાળકો એક પછી એક બેભાન થઈ ગયા હતા. શિક્ષકોએ પગરખા પહેરેલા હોવાના કારણે તેમને કરંટ લાગ્યો ન હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ ક્રિષ્ણા કરૂનેસે જણાવ્યું હતું કે, આ મામલે વીજ વિભાગના કર્મચારીઓ સામે બેદરકારી બદલ પગલાં ભરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ર૯ વિદ્યાર્થીઓને ઉતરોલા કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે જ્યારે રર વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી હતી. આ તમામ બાળકો ખતરાથી બહાર હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઘટના અંગે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને બરતરફ કરાયાના પણ અહેવાલ છે. તેમની સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશની શાળા વીજ કરંટ લાગતાં વિદ્યાર્થીઓની ચીસોથી ગૂંજી ઊઠી : ઘણા વિદ્યાર્થીઓ બેભાન થયા : પ૧ બાળકો હોસ્પિટલમાં

Recent Comments