(એજન્સી) તા.૨૩
ભાજપે રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજેની ૪ ઓગસ્ટથી લઇને ૧૦ ઓગસ્ટ વચ્ચે યોજાયેલી ગૌરવયાત્રા પાછળ રૂા. ૧ કરોડના ખર્ચનું આંધણ કર્યુ છે. આ યાત્રા હેઠળ ૨૩ વિધાનસભા મત ક્ષેત્રોને આવરી લેવાયા હતા. ભાજપે ૬ ઓગસ્ટના રોજ એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલ જનહિતની અરજી (પીઆઇએલ)ની સુનાવણી દરમિયાન યાત્રા પાછળ કરવામાં આવેલ ખર્ચની વિગતો રાજસ્થાન હાઇકોર્ટને આપી હતી.
હાઇકોર્ટે ૧૦ ઓગસ્ટના રોજ આ પિટિશનનો પ્રતિસાદ આપવા ભાજપના રાજ્ય એકમને આદેશ કર્યો હતો. એટલું જ નહીં પ્રમુખ મદનલાલ સૈનીને પક્ષ દ્વારા થયેલ ખર્ચ પર એફિડેવિટ કરવા પણ આદેશ કર્યો હતો. અંગ્રેજી અખબાર ધ હિંદુસ્તાન ટાઇમ્સ પાસે ઉપલબ્ધ દસ્તાવેજો પરથી એવું સ્પષ્ટ થાય છે કે ભાજપે ગૌરવયાત્રા પાછળ રૂા.૧.૧૦ કરોડના ખર્ચનું આંધણ કર્યુ છે જેમાંથી ૪૧.૩૦ લાખ રુપિયા ટેન્ટહાઉસ પાછળ, ૩૮.૯૮ લાખ રુપિયા બેનર્સ અને કટઆઉટ સહિત પબ્લિસિટી પાછળ અને ૨૫.૯૯ લાખ સરકારી એડ્‌સ પાછળ ખર્ચવામાં આવ્યા હતા. ભાજપે જણાવ્યું હતું કે ૧૬૦૦૦ રુપિયા તો પેનડ્રાઇવ પર ખર્ચ થઇ ગયા છે તેનો ઉપયોગ વસુંધરા રાજેની ગૌરવયાત્રામાં ગીતો વગાડવા પાછળ ખર્ચ થયો હતો. રૂા. ૩.૫૦ લાખ આ ગીતોને કમ્પોઝ કરવા પાછળ ખર્ચાયા હતા એ સાથે જ હાફ કેપ પર ભાજપે ૩૨૫૬૮ રુપિયા, માસ્ક પાછળ રૂા. ૨૦૦૦૦ અને લીલા અને ભગવા રંગના મફલર પાછળ ૬૩૦૦૦ ખર્ચવામાં આવ્યા હતા. ભાજપે સ્ટીકર્સ પર રૂા. ૨૬૦૦૦, ઝંડા પર રૂા. ૧.૧૭ લાખ અને હેન્ડ કટઆઉટ્‌સ પાછળ રૂા. ૯૧૦૦૦ જ્યારે મોટા કટઆઉટ્‌સ પાછળ રૂા. ૧૩.૩૮ લાખનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. ભાજપે મુખ્ય પ્રધાનના રથના નિર્માણ પાછળ ૧.૭૫ લાખ ખર્ચ્યા છે. આ રથમાં લિફ્ટ અને સનરુફ બેસાડવામાં આવ્યા હતા જેના કારણે વસુંધરા રાજે બસના છાપરા પરથી જાહેર સભાઓ સંબોધી શકતા હતા. ભાજપે પેટ્રોલ અને ડીઝલ અને ભોજન પાછળ રૂા.૧.૪૦ લાખ ખર્ચ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન હાઇકોર્ટે એક પિટિશન પર ભાજપના રાજ્ય એકમનો ખુલાસો માગ્યો છે. આ પિટિશનમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વસુંધરા રાજેની યાત્રા માટે રાજ્ય સરકારની મશીનરીનો દુરુપયોગ થઇ રહ્યો છે.