(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
સલાબતપુરા પોલીસ મથકની હદમાં રીંગરોડ વિસ્તારમાં આવેલ કપડા વેપારીઓ સાથે નાગપુરના વેપારી લાલવાણીબંધુ બે વર્ષ દરમિયાન કાપડ એજન્ટ મારફતે રૂપિયા ૧ કરોડથી વધુનો કાપડનો માલ ખરીદી કરી પેમેન્ટ નહી ચુકવતા આખરે એજન્ટે લાલવાણી બંધુ વિરુધ્ધ વિશ્વાસઘાત તથા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ડિંડોલીય, રોયલ સ્ટારમાં રહેતા તથા કાપડના એજન્ટનો ધંધો કરતા શશીભાઇ રામાશંકર પાંડે નોંધાવેલી ફરિયાદ અનુસાર નાગપુર સ્થિત ભૂમિક કોમ્પલેક્ષ ખાતે એસ.એસ.ડી. વસ્તરમ અને એસ.એસ.ડી. ગુલમોહરના નામે કાપડનો ધંધો કરતા ચીટુ એલ લાલવાણી અને કિશોર લાલવાણી લોભામણી અને લલચામણી વાતો કરી પાર્ટીઓ પાસેથી તેની એજન્સીના મારફતે શરુઆતમાં ઉધારમાં માલ ખરીદી કરી સમયસર પેમેન્ટ ચુકવીને એજન્ટનો વિશ્વાસ જીતી લીધા બાદ તેમના ઓર્ડર મુજબ શહેરના જુદા જુદા વેપારીઓ પાસેથી બે વર્ષ દરમિયાન રૂપિયા એક કરોડથી વધુનો માલ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલ્યો હતો. જે માલ મેળવી લઇ સમય મર્યાદા પૂર્ણ થતાં પેમેન્ટની ઉઘરાણી કરતા ખોટા ખોટા વાયદાઓ કરી સમય પસાર કરી પેમેન્ટ નહી ચુકવતા આખરે એજન્ટે નાગપુરાના લાલવાણી બંધુ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. સલાબતપુરા પોલીસે ચીંટૂ લીલવાણી અને તેના ભાઇ કિશોર લાલવાણી વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.