(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ ઉપર ગત તા.૧૩મી સપ્ટેમ્બરના રાત્રીના સુમારે માથાભારે ટાઈગરે દેશી પિસ્તોલ ટાઈપના હથિયારમાંથી ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ કેસમાં રેલવે પીઆઈ બોદારે ટાઈગરની ધરપકડ કરી હથિયાર કબજે કર્યા હતા. મોડી સાંજે ટાઇગરને રેલવે કોર્ટમાં રજૂ કરી રિમાંડની માગણી કર્તા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઇથી બિકાનેર તરફ જતી રણકપુર એક્સપ્રેસ ગુરૂવારે સાંજે ૭.૨૫ વાગ્યાના સુમારે સુરત રેલવે પ્લેટફોર્મ નંબર ૧ ઉપર આવી હતી. જનરલ કોચમાંથી સુમુલ ડેરી તરફના છેડે ઉતરેલા મોહંમદ યુસુફ ઈશરત ખાન (ઉ.વ.૨૩, રહે. પદમાવતી સોસાયટી, લીંબાયત) પર અન્ય ટપોરી સીબુ ઉર્ફે ટાઈગરે ૪ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મહંમદ યુસુફ બચવા માટે ટ્રેનમાં ઘુસી ગયો હતો. આ મામલે રેલવે પોલીસે આરોપી ટાઈગર સામે આઈપીસી ૩૦૭ તથા આર્મ્સ એક્ટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પો.સ.ઇ એન.એમ.તલાટી મળેલી ખાનગી બાતમીના આધારે ટાઇગરની ધરપકડ કરી હથિયાર કબજે કર્યા હતા.ટાઇગરે જમીનની જુની અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૨માં માથાભારે યુસુફ હાસીમ ગેંગમાં કામ કરતો હતો. બાદમાં તે ગેંગમાંથી છુટો થયો હતો. અગાઉ ક્રાઈમ બ્રાંચે માથાભારે યુસુફ ઈશરથને ત્રણ તમંચા સાથે પોલીસે પકડી પાડ્‌યો હતો અને તે વખતે તેની પૂછપરછમાં માથાભારે હાસીમ પર હુમલો કરવા માટે હથિયારો લાવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. માથાભારે યુસુફ ઈશરત ખાનએ લાજપોર જેલમાં નવી ગેંગ પણ બનાવી દીધી હોવાનું પણ જાણવા મળ્યું હતું. રેલવે પીઆઈ બાંદારે માથાભારે ટાઈગરની ગતરાત્રે ધરપકડ કરી દેશી પિસ્તોલ જેવું હથિયાર કબજે કર્યું હતું. આજે મોડી સાંજે રેલવે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરયા હતા.