(સંવાદદાતા દ્વારા) ભૂજ,તા.રર
કચ્છના અબડાસા તાલુકાના નલિયા નજીક ભાનાડા ગામમાં તા.રર/પની સવારે ૧૦ વાગ્યે જમીનના મુદ્દે બે શીખ પરિવારો વચ્ચે હિંસક અથડામણમાં ખાનગી ગોળીબાર થતા ૧ શખ્સનું મોત થયું હતું. જ્યારે ૧ યુવાનને ઈજાઓ થઈ હતી.
ભાનાડા ગામમાં જમીનની માલિકી અને કબજા મુદ્દે બે શીખ પરિવાર વચ્ચે ઘણા સમયથી મનદુઃખ ચાલતું હતું. તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ દરમ્યાન તા.રર/પની સવારે વાંકુ ગામમા રહેતા મહાવીરસિંઘ, ગુરપ્રીતસિંઘ, બાબીસિંઘ તેમજ વિઝાણ નામના અશરફ નામના શખ્સ સહિત ર૦ જેટલા માણસોનું ટોળુ ભાનાડા પહોંચ્યુ હતું અને ભાનાડાના મનજીતસિંઘ જાટ (ઉ.વ.પર) તથા તેના પુત્રો સુરેન્દ્રસિંઘ (ઉ.વ.રર) અને સુખવિન્દરસિંઘ (ઉ.વ.રપ) ઉપર હુમલો કર્યો હતો. હુમલા દરમ્યાન હુમલાખોરો તરફથી ખાનગી ગોળીબાર થતા મનજીતસિંઘ (ઉ.વ.પર)ને ગોળી વાગતા તેનું મોત થયું હતું. જ્યારે તેના બે પુત્રો સુરેન્દ્રસિંઘ અને સુખવિન્દરસિંઘને તલવાર જેવા હથિયારથી ઈજાઓ થઈ હતી. બન્ને ઈજાગ્રસ્ત ભાઈઓને ભૂજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છ પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ મહેન્દ્ર ભરાડાએ ઘટના અંગે જાત માહિતી મેળવી હતી. બનાવથી ચકચાર મચી ગઈ હતી.