(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
સામાન્ય વર્ગના આર્થિક નબળા લોકોને નોકરીઓ અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપનારા બંધારણના ૧૨૪મો સુધારો ૨૦૧૯ં બિલને ગુરૂવારે પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ છે. એનજીઓ યુથ ફોર ઇક્વલિટીએ બંધારણમાં સંશોધનને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે અને અરજીમાં જણાવ્યું છે કે, આ સંશોધન સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરૂદ્ધ છે અને આર્થિક આધારે અનામત આપી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દ્વારા દેશભરના ગરીબ સવર્ણોને ૧૦ ટકા અનામત આપનારો ઐતિહાસિક ખરડો બુધવારે રાજ્યસભામાં પસાર થઇ ગયો હતો. લોકસભા અને રાજ્યસભામાંથી આ બિલ પાસ થવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને સામાજિક ન્યાયની જીત ગણાવી કહ્યું કે આ દેશની યુવા શક્તિને પોતાની કુશળતા દેખાડવા માટે વ્યાપક તક ઉભી કરશે તથા દેશમાં એક મોટું પરિવર્તન લાવવામાં સહાયક હશે.
એનજીઓએએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને જણાવ્યું કે, આ બિલ સામાન્ય લોકોને આર્થિક આધારે અનામત આપવાના બંધારણીય માળખાનું ઉલ્લંઘન કરે છે અને ૫૦ ટકાની ટોચની મર્યાદાને પણ વટાવી શકાય તેમ નથી. એનજીઓ દ્વારા આ અરજી એવા સમયે લાવવામાં આવી છે જ્યારે એક દિવસ પહેલા જ સંસદમાં આ બિલને મંજૂરી મળી ગઇ હતી તેથી મંડલ કમિશનની ભલામણો અમલમાં આવ્યાના ત્રણ દાયકા બાદ અનામત પર કાયદાઓમાં ફરી બંધારણીય ફેરફાર કરવાની ફરજ પડશે અને તેને મોટી અસર થશે. લોકસભામાં મંગળવારે બિલ પાસ થયા બાદ બુધવારે રાતે રાજ્યસભામાં પણ આ ખરડો પસાર કરવામાં આવ્યો હતો જેમાં સરકાર અને વિપક્ષ તથા સંસદના અન્ય સભ્યો વચ્ચે નવ કલાકની મેરેથોન ચર્ચા ચાલી હતી. આ બિલના સમય સામે સવાલ કરતા વિપક્ષના સભ્યોએ જણાવ્યું હતું કે, ચૂંટણી સમસ્યાઓને કારણે સરકારને આ બિલ લાવવાની ઉતાવળ આવી છે. બીજી તરફ સરકારે રવિશંકર પ્રસાદના નિવેદનને વધાવી લીધો હતો જેમાં કહેવાયું હતું કે, અંતિમ ઓવરોમાં સિક્સરો લાગી રહી છે અને હજુ વધુ સિક્સરો લાગશે. રાજ્યસભામાં આ બિલને ૧૬૫ વિરૂદ્ધ સાત મતોથી મંજૂરી મળી ગઇ હતી જેમાં રાજ્યસભાના કુલ સભ્યોની ત્રીજા ભાગની સંખ્યાનો મત હોવો જોઇએ અને ૨૪૪માંથી ૧૬૫ સભ્યોને તેને ટેકો હતો. વડાપ્રધાને બિલ પાસ થયા બાદ ટિ્‌વટમાં લખ્યું હતું કે મને આનંદ છે કે, બંધારણનો ૧૨૪મો સુધારો ખરડો પસાર થઇ ગયો છે જે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને શિક્ષણ તથા રોજગારમાં ૧૦ ટકા અનામત પુરી પાડવા માટે બંધારણમાં સંશોધન કરે છે. વ્યાપક સમર્થન બદલ મને વધુ આનંદ થયો છે.