(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
લિંબાયત વિસ્તારમાં આવેલા મારૂતિનગર ખાતે પોલીસનું ગોડાઉન આવેલું છે. જેમાં જપ્ત કરેલા વાહનો રાખવામાં આવે છે. સોમવારે મળસ્કે ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, આગના પગલે ૧૦ જેટલી બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. આગના પગલે નજીકમાં આવેલી સોસાયટીના રહીશોમાં ભાગદોડનો માહોલ સર્જાયો હતો. લિંબાયત પોલીસ મથકની હદમાંથી પોલીસકર્મીઓએ વાહન ચોરી સહિતના કેસોમાં ઝડપી પાડેલા વાહનો મારૂતિ નગર ખાતે આવેલાપ ગોડાઉનમાં મુકવામાં આવે છે. વાહનોના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નિકળતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ ધીમે-ધીમે વાહનોને લપેટમાં લેતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા. તાત્કાલ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ આવે તે પહેલા રહીશોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે ૧૦ જેટલી બાઇકો બળીને ખાખ થઇ ગઇ હતી.