(એજન્સી) નવી દિલ્હી,તા.૨૬
દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ ‘આયુષ્યમાન ભારત’ કે મોદીકેર ૨૫ સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. સરકાર તેને સફળ બનાવવામાં કોઈ જ કસર છોડવા નથી માંગતી. આ સ્કીમની સફળતાના માર્ગમાં વિધ્ન એ લોકોને જ માનવામાં આવે છે, જેમના માટે તેને શરૂ કરવામાં આવી છે. પરંતુ મોદી સરકારે તેનું સમાધાન પણ શોધી લીધું છે.
નીતિ આયોગના સભ્ય વિનોદ કે પોલના જણાવ્યા પ્રમાણે મોદીકેરને સફળ થવામાં સૌથી મોટી મુશ્કેલી એ ૧૦ કરોડ પરિવાર કે ૫૦ કરોડ લોકો જ છે, જેમના માટે તેને લાવવામાં આવી છે. હકીકતમાં તેમને સ્કીમ શું છે તેની જ ખબર નથી. કે નથી તેમને એ ખબર કે આનો લાભ કઈ રીતે લઈ શકાય અને તે રજીસ્ટર કઈ રીતે ઉપયોગી બને. પરંતુ સામાજીક-આર્થિક જાતિગત જનગણનાના ડેટાના આધારે ૪૦ ટકા લોકો આયુષ્યમાન ભારતનો લાભ લેવા માટે આપમેળે જ રજીસ્ટર થઈ ચુક્યા છે. તેમને અલગથી કોઈ જ પ્રક્રિયા પુરી કરવાની નથી. વિનોદ પોલના જણાવ્યા પ્રમાણે, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમસ્યાનો મૂળમાં જ પ્રહાર કરશે. મોદી તરફથી ૧૦ કરોડ પરિવારોને પત્ર મોકલવામાં આવશે, જેમાં આયુષ્યમાન ભારત હેલ્થ કેર સ્કીમ વિષે જણાવવામાં આવશે. આયુષ્યમાન ભારત સ્કીમ લોંચ થયાને લગભગ ૧ મહિનો વીતિ ચુક્યો છે. અત્યાર સુધીમાં ૧,૧૨,૦૦૦ લોકોએ તેનો લાભ લીધો છે, જેના પર ૧૪૬ કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ પણ થયો છે. સરકાર આ યોજના પર વાર્ષિક ૧૨૦ અબજ રૂપિયા ખર્ચ કરવાનો પ્લાન બનાવી ચુકી છે. પોલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૧૫,૦૦૦ પ્રાઈવેટ હોસ્પિટલ આ સ્કીમનો ભાગ બનીએ ચુકી છે. જો કે સ્કીમમાં રહેલી કેટલીક સમસ્યાઓનો ઉલ્લેખ કર્યા વગર પોલે કહ્યું હતું કે, અનેક પડકારો છે પરંતુ તેનાથી પરેશાન થવાની કોઈ જ જરૂર નથી. યોજનાને સંચાલિત કરનારી નેશનલ હેલ્થ એજન્સી (NHA)એ એક વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર લોંચ કર્યો છે, જેની મારફતે કોઈ પણ એ ખાતરી કરી શકે છે કે લાભાર્થીઓની ફાઈનલ યાદીમાં તેમનું નામ છે કે નહીં. યાદીમાં પોતાનું નામ જાણવા માટે mera.pmjay.gov.in વેબસાઈટ પણ જોઈ શકો છો કે પછી હેલ્પલાઈન નંબર ૧૪૫૫૫ પર કોલ પણ કરી શકો છો. સરકારની પેનલમાં શામેલ દરેક હોસ્પિટલમાં ‘આયુષ્યમાન મિત્ર હેલ્પ ડેસ્ક’ રહેશે. જ્યાં લાભાર્થી પોતાની પાત્રતાને ડોક્યુમેંટ્‌સ મારફતે વેરિફાઈ પણ કરી શકાશે. સારવાર માટે કોઈ સ્પેશિયલ કાર્ડની જરૂર નહીં પડે. લાભાર્થીએ માત્ર પોતાની ઓળખ જ આપવાની રહેશે. લાભાર્થીને સારવાર માટે હોસ્પિટલને એક પણ પૈસો આપવાની જરૂર નહીં રહે. સારવાર સંપૂર્ણ રીતે કેસલેશ રહેશે.