અમદાવાદ, તા.૧૦
એક તરફ રાજયમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે તેવા સમયે અમદાવાદ શહેરના મધ્યઝોનમાં આકારણીની કાર્યવાહી પુરી થઈ હોઈ આગામી ૧૦ ડિસેમ્બરથી મિલકતવેરાના બીલોની વહેચણીનો આરંભ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્તમાન નાણાંકિય વર્ષમાં મિલકતવેરાની આવક કુલ રૂપિયા ૯૦૦ કરોડનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે. મિલકતવેરાની અત્યાર સુધીમા કુલ મળીને રૂપિયા ૪૫૦ કરોડની આવક થવા પામી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકના મુખ્ય સ્તોત્ર ગણાતા એવા મિલકતવેરા માટે પશ્ચિમઝોન એ આવકનુ મુખ્ય કેન્દ્ર માનવામા આવી રહ્યુ છે પરંતુ આ ઝોનમાં હાલ ચતુવર્ષીય આકારણીની કાર્યવાહી ચાલી રહી હોઈ આ ઝોનમાં ડિસેમ્બરના અંતભાગથી મિલકતવેરાના બીલોની વહેચણી શરૂ કરવામા આવે તેવી સંભાવના સૂત્રો દ્વારા વ્યકત કરવામા આવી છે. અમદાવાદ શહેરના મધ્યઝોનમાં ચતુવર્ષીય આકારણીની કાર્યવાહી પુરી કરી લેવામા આવી હોઈ મિલકતવેરાના બીલોનુ છપામણી કામ શરૂ કરવામા આવ્યુ છે. આ ઝોનમાં ડિસેમ્બરની ૧૦ તારીખથી મિલકતવેરાના બીલોની વહેચણી શરૂ કરવામા આવશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ,મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગ તરફથી અત્યાર સુધીમા શહેરના નવા પશ્ચિમઝોનમાં ૩.૯૦ લાખ, પૂર્વઝોનમાં ૩.૬૦ લાખ, ઉત્તરઝોનમાં ૨.૫૮ લાખ, દક્ષિણઝોનમાં ૨.૭૨ લાખ મિલકતવેરાના બીલોની વહેચણીનુ કામ પુરૂ કરી લેવામા આવ્યું છે.