(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
વાંસદા સરાગામના પૂર્વ સરપંચ બાબુભાઇ કરશનભાઈ પટેલ પર થયેલા ઘાતકી હુમલામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પહેલી પત્નીના પુત્ર દ્વારા ધારિયાના ૧૦થી ૧૨ ઘા મારવામાં આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાબુભાઈને સુરત સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા હતા. જ્યાં આજે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વાંસદાના સરાગામ ખાતે પૂર્વ સરપંચ બાબુભાઇ કરશનભાઈ પટેલ (ઉ.વ.૭૨) બીજી પત્ની અને ત્રણ પરિણીત દીકરીઓ પૈકી એક વિધવા દીકરી સાથે રહેતા હતા. ગત ૨૦ ફેબ્રુઆરીના રોજ બપોરે ખેતરમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન પહેલી પત્ની કાંતાબેનના બે પુત્રો પૈકી નૈનેશે હુમલો કરી પેટ, હાથ અને માથામાં ધારિયાના ૧૦થી ૧૨ ઘા માર્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાબુભાઇને પ્રથમ વાંસદા બાદ વલસાડ અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા હતા. બાબુભાઈનું સારવાર દરમિયાન સોમવારની વહેલી સવારે મોત નિપજતા વાંસદા પોલીસ પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ પહોંચી હતી. જ્યારે હુમલાખોર પુત્ર નૈનેશની વાંસદા પોલીસે ધરપકડ કરી છે. બાબુભાઇ સરાગામ પંચાયતના પૂર્વ સરપંચ હતા. બાબુભાઇએ બંને પત્નીઓના નામ પર ઘર અને જમીન સરખે હિસ્સે નામ પર વારસાઈ કરી પણ દીધા હતા. જો કે, ૩ વિંગા જમીન નામ પર કરી દેવા નૈનેશ દબાણ કરતો હતો. દરમિયાન બાબુભાઇ પર બે વર્ષમાં પાંચમી વાર કરાયેલો હુમલો જીવલેણ સાબિત થયો હતો.