(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૨૫
વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકથી ભારે વરસાદ ચાલુ છે જેને કારણે વલસાડ જિલ્લામાં આવેલા વલસાડ શહેર ઉમરગામ, ધરમપુર અને પારડી તાલુકા વાપી શહેર ભીલાડ તથા સમગ્ર વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી વલસાડ જિલ્લા મેનેજમેન્ટની પોલ ખૂલી ગઈ છે અને વલસાડ જિલ્લામાં આવેલી નગરપાલિકાઓમાં તંત્રની બેદરકારીથી ઠેર-ઠેર વરસાદના પાણી લોકોના ઘરોમાં તથા રોડ પર ફેલાઈ ગયા છે અને પહેલાં વરસાદે જ સરકારી તંત્રની પોલ ખોલી છે અને અધિકારીઓની બેદરકારી તથા નિષ્ફળતાને કારણે વલસાડ જિલ્લાના નાગરિકોને કરોડોનું નુકસાન થયું છે. પહેલાં સારા વરસાદમાં લોકોને ખુશીની લહેર જોવા મળી હતી પણ, વલસાડ શહેરમાં છેલ્લા ૧૨ કલાકમાં પડેલ દસથી બાર ઈંચ ના વરસાદ સાથે વલસાડ શહેરની હાલત ખૂબ જ ખરાબ કરી નાખી છે વલસાડ શહેરમાં કેટલાય વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે. ગટરના પાણીને બહાર આવી રહ્યા છે. છીપવાડ, મોગરાવાડી, બજાર વિસ્તાર, ધોબી તળાવ, ગાંધીરોડ વિસ્તાર, જીનતનગર જેવા અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. વાપી શહેરમાં પણ બજાર રોડ તથા રેલવે સ્ટેશન પર પણ પાણી ભરાઈ ગયા છે વાપી ગુંજન વિસ્તાર ઇમરાનનગર તથા સમગ્ર વાપી શહેરમાં નાગરિકો વહીવટીતંત્ર અને વરસાદ વચ્ચે સૂડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે. જેને કારણે દૂર-દૂરથી આવતા વાપી જીઆઇડીસીના કર્મચારીઓ નોકરીમાં નથી પહોંચી શક્યા. શાળાઓમાં પાણી ભરાવવાને કારણે રજા આપી દેવામાં આવી હતી. વાપી શહેરમાં ટ્રેન અટકાવી દેતા મુસાફરોની હાલત ખરાબ થઈ છે. ઉમરગામ તાલુકામાં પણ ભારે વરસાદને કારણે તંત્રની પોલ ખૂલી ગઈ છે અને ઉમરગામમાં પણ ઠેર-ઠેર દબાણોને કારણે વરસાદી કાસો પુરાઈ જતા પાણીના નિકાલ ન થવાથી પાણી ઉમરગામના રોડ ઉપર ફરી વળ્યા છે. વાપી સંજાણ વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાથી બંધ થઈ ગઈ છે અને કર્ણાવતીથી વાપી રેલવે સ્ટેશન પર મૂકી દેવામાં આવી છે અને વાપી રેલવે સ્ટેશન પર અને વલસાડ રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા છે.