(એજન્સી) પણજી,તા.૧૧
કર્ણાટકમાં ગઠબંધન સરકાર પર સંકટ હજુ દૂર થયું નથી ત્યાં ગોવામાં કોંગ્રેસના ૧૦ ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામુ આપી ભાજપમાં સામેલ થઈ જતાં કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો. હવે વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ર૭નું થઈ ગયું છે. હવે કોંગ્રેસ પાસે માત્ર પ ધારાસભ્યો બચ્યા છે. બે પહેલા જ ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના અગાઉ ૧૭ સભ્યો હતા. હવે ગોવા સરકાર કેબિનેટમાં મોટાપાયે ફેરફાર કરે તેવી શકયતા છે. બદલાવ બાદ ભાજપના સાથી પક્ષોની કેબિનેટમાંથી છુટ્ટી થઈ શકે છે. કેબિનેટમાં પ મંત્રીઓ સહયોગી પાર્ટીના છે. કોંગ્રેસના ૧૦ ધારાસભ્યોએ ભાજપની સદસ્યતા ગ્રહણ કરી લીધી. સ્પીકરે કોંગ્રેસના બાગી વિધાયકોના રાજીનામા સ્વીકારી લીધા છે. મુખ્યમંત્રી સાવંતે નવા સભ્યોનું સ્વાગત કર્યું હતું.
જે કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું તેમાં (૧) ચંદ્રકાન્ત કાવલેકર, (ર) એન્ટોનીયો, (૩) જેનીફર, (૪) ફિલીપ નેરી, (પ) રોડ્રીગેજ, (૬) નિલકંઠ, (૭) ફ્રાંસીસ્કો સિલ્વેરા, (૮) કે. ડાયસ, (૯) વી. ડીસૂજા, (૧૦) ટોની ફર્નાન્ડીઝ સામેલ છે. દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગીરીશ ચોદાંકરે કહ્યું કે ભાજપની નીતિ તેના સહયોગીઓને ખબર પડી ગઈ છે. ભાજપે જનાદેશનું અપમાન કર્યું છે.