(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
દિલ્હીની હાઈકોર્ટે આવકવેરા વિભાગની નોટિસ સંદર્ભે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની અરજી રદ કરતા ભાજપની કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી ઉપર હુમલાઓ કર્યા હતા. એમણે કહ્યું રાહુલ વડાપ્રધાન મોદીને ભેટવા દોડી આવે છે પણ આવકવેરા અધિકારીને જોઈ માઈલો દૂર ભાગી જાય છે. ઈરાનીએ કહ્યું કે, આવકવેરા વિભાગની રાહુલ ગાંધીના ર૦૧૧-૧રના કેસની પુનઃ આકારણીથી પક્ષના ઊંડા ભ્રષ્ટાચારો સપાટી ઉપર આવી જશે.
આ બાબતના ૧૦ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ :
૧. સ્મૃતિ ઈરાનીના આક્ષેપો બહુચર્ચિત ‘નેશનલ હેરાલ્ડ કેસ’ની સાથે આવકવેરા વિભાગની તપાસ સંદર્ભે છે. એમણે આક્ષેપો કર્યા છે કે કોંગ્રેસ પક્ષે પક્ષના ભંડોળનો દુરૂપયોગ પોતાના અંગત લાભ માટે કર્યો હતો.
ર. રાહુલ ગાંધીને ઘણા બધા પ્રશ્નોના જવાબો આપવાના છે પણ આપતા નથી.
૩. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આક્ષેપો મૂક્યા હતા. એમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ એક કંપની ‘યંગ ઈન્ડિયન’ની સ્થાપના કરી હતી. જેના વતી ૯૦ કરોડનું દેવું ધરાવતી એસોસિએટેડ જર્નલ લિમિટેડને ખરીદવાનો ઉદ્દેશ્ય હતો. એજેએલ ત્રણ અખબારો પ્રકાશિત કરતી હતી. જેમાં નેશનલ હેરાલ્ડ પણ હતી. નેશનલ હેરાલ્ડની સ્થાપના પં. જવાહરલાલ નહેરૂએ કરી હતી.
૪. ર૦૦૮ના વર્ષમાં એજેએલએ દેવાના લીધે પોતાની કંપની બંધ કરી. ભાજપના આક્ષેપો છે કે ગાંધી પરિવારે કોંગ્રેસ પક્ષના ભંડોળના ઉપયોગથી એજેએલનો દેવો ચૂકવ્યો હતો. જો કે એજેએલ પાસે હજારો કરોડની સંપત્તિ હતી.
પ. રાહુલ ગાંધીએ ર૦૧૧ના વર્ષમાં યંગ ઈન્ડિયન કંપનીની સ્થાપના કરી. સ્થાપના વખતે જણાવ્યું હતું કે અમે આ કંપની દ્વારા નફો-નુકસાન વાળો ધંધો નહીં કરીશું. યંગ ઈન્ડિયને એજેએલ ખરીદી જે વ્યવસાયિક કંપની હતી. જે કંપનીનો ઉદ્દેશ્ય નફો-નુકસાન કરવાનો નહીં હોય એ કંપની વ્યવસાયિક કંપની કઈ રીતે ખરીદી શકે ?
૬. રાહુલ ગાંધીએ એજેએલનો ૯૦ કરોડનો દેવો માત્ર પ૦ લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. એમણે એવી કંપનીનો દેવું ખરીદ્યું હતું જેનો ધંધો અખબારો પ્રકાશિત કરવાનો હતો પણ એ પછીથી એમણે કહ્યું કે, કંપની અખબાર પ્રકાશિત નહીં કરશે અને આ રીતે હજારો કરોડોની સંપત્તિ ધરાવતા એજેઅલની માલિકી રાહુલ, સોનિયા અને પ્રિયંકા વાડ્રાની થઈ હતી.
૭. જ્યારે આવકવેરા વિભાગે આકારણી કર્યા પછી પુનઃ આકારણી કરી તો એમને જણાવાયું કે રાહુલ ગાંધીની કંપનીએ કંપની બાબત ખરી માહિતી આપી નથી. ઈરાનીએ કહ્યું કે મારૂં માનવું છે કે ગાંધી પરિવાર આવકવેરાની નોટિસોના જવાબો નથી આપી શકતું એના માટે એ હાઈકોર્ટમાં નોટિસ રદ કરાવવા ગયા હતા.
૮. સ્મૃતિ ઈરાનીએ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની રિપોર્ટ પણ ટાંકી છે જેમાં રાજને કહ્યું હતું કે હાલમાં દેખાતા બેંકોના એનપીએના મૂળ યુપીએ સરકારે અપાયેલ લોનોના લીધે છે. ર૦૦૬થી ર૦૧૧ના વર્ષમાં સરકારે બેફામ લોનો આપી હતી. સ્મૃતિએ કહ્યું કે, હવે એનપીએનું રહસ્ય ખુલ્લું થઈ ગયું છે. જે કોંગ્રેસ સરકારની ઉપલબ્ધિ છે.
૯. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આક્ષેપો કર્યા કે મોદી સરકારની દોરવણીથી આવકવેરા વિભાગ ગાંધી પરિવારના ટેક્ષ રિટર્નોની ફેર આકારણી કરી રહ્યો છે પણ અમે કાયદાકીય લડત આપીશું.
૧૦. સુરજેવાલાએ કહ્યું કે, સ્મૃતિ મૂર્ખામીભર્યા આક્ષેપો મૂકી રહી છે. હાલમાં ઈરાની મોદીનું વિશ્વાસ ગુમાવી ચૂકી છે જેના માટે એ આ પ્રકારના પાયાવિહોણા આક્ષેપો કોંગ્રેસ નેતાઓ સામે કરી પોતે ફરીથી મોદીનું વિશ્વાસ મેળવવા પ્રયાસો કરી રહી છે.