(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
દિલ્હી અને પાડોશી ઉત્તર પ્રદેશમાંથી સક્રિય આઇએસઆઇએસ પ્રેરિત આતંક મોડ્યુલ દેશના મહત્વના મહત્વના કેન્દ્રો અને વીઆઇપી હસ્તીઓ, દિલ્હી પોલીસ અને આરએસએસના કાર્યાલયો પર આત્મઘાતી હુમલા કરવાનું ષડયંત્ર ઘડી રહ્યું હોવાનું રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ બુધવારે જણાવ્યું છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ૧૭ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા બાદ ૧૬ શકમંદોની અટકાયત કરવામાં આવી હતી. આ શકમંદોની પૂછપરછ કર્યા બાદ ૧૦ની ધરપકડ કરવામાં આવી છે. એક મૌલવીના નેતૃત્વ હેઠળનું આ સંગઠનમાં એક સિવિલ એન્જીનીયર, સ્નાતકનો અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થી, એક ઓટો રીક્ષા ડ્રાઇવર પણ જોડાયેલા છે. સંગઠનને વિદેશ સ્થિત એક હેન્ડલર પાસેથી આદેશો મળતા હોવાનું એક અધિકારીએ જણાવ્યું છે. આ કાર્યવાહીમાં એનઆઇએ, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને યુપી એટીએસના ૧૫૦ અધિકારી સામેલ હતા. દરોડા દરમિયાન, દેશી બનાવટનું રોકેટ લોન્ચર, ૧૦૦ અલાર્મ ક્લોક્સ, પિસ્તોલો અને દારૂગોળો કબજે કરવામાં આવ્યો છે. અટકાયત કરાયેલાઓની પૂછપરછ ચાલુ હોવાથી વધુ નામ બહાર આવવાની સંભાવના છે.
મહત્વની ૧૦ વાત
૧. પોતાને હરકત-ઉલ-હર્બે-ઇસ્લામ ગણાવતું આ સંગઠન ઉત્તર ભારતમાં ખાસ કરીને દિલ્હીમાં ્‌આત્મઘાતી હુમલા કરવાનું ષડયંત્ર ઘડી રહ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે આ સંગઠનના ટાર્ગેટ લિસ્ટમાં મહત્વના કેન્દ્રો, બજારો જેવા ભરચક સ્થળો અને વીઆઇપી લોકોનો સમાવેશ થાય છે.
૨. આ સંગઠન સાથે જોડાયેલા શંકાસ્પદોએ પ્રજાસત્તાક દિવસના પ્રસંગે દિલ્હી પોલીસના હેડક્વાર્ટર્સ, આરએસએસની સ્થાનિક ઓફિસે હુમલા કરવાની યોજના બનાવી હતી.
૩. અધિકારીઓએ જણાવ્યું કે આ મોડ્યુલ ચાર મહિના પહેલા બનાવવામાં આવ્યું હતું અને તેમાં ભરતી થયેલાઓને સ્થાનિક રીતે ટ્રેનિંગ આપવામાં આવી હતી.
૪. ધરપકડ કરાયેલાઓમાંથી પાંચ દિલ્હીના છે જ્યારે બાકીના ઉત્તર પ્રદેશના છે. તેમનામાં મુફ્તી સોહેલ ગેંગનો નેતા છે અને મૌલવી છે. દિલ્હીના જાફરાબાદથી તેની ધરપકડ કરવામાં આવી છે.
૫. મુફ્તી સોહેલ અમરોહાનો ભૂતપૂર્વ નિવાસી છે અને વિદેશમાં રહેતા એક હેન્ડલર પાસેથી આદેશો મેળવતો હતા. આ વિદેશી હેન્ડલરની અત્યાર સુધી ઓળખ થઇ નથી.
૬. આ ટોળકીમાંના અન્ય ચાર પણ ઉત્તર પ્રેદશના ઉત્તરીય અમરોહા જિલ્લાના છે. અધિકારીઓએ જણાવ્યું કે આ સંગઠન વોટ્‌સએપ અને ટેલિગ્રામ પર એક-બીજા સાથે વાતચીત કરતા હતા અને અન્ય મેસેજિંગ સર્વિસનો પણ ઉપયોગ કરતા હતા.
૭. બુધવારે વહેલી સવારથી દિલ્હી અને ઉત્તર પ્રદેશના વિભિન્ન ભાગોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
૮. એનઆઇએના વરિષ્ઠ અધિકારી આલોક મિત્તલે જણાવ્યું કે દરોડા પાડવામાં આવેલા વિસ્તારોમાં દિલ્હીના સીલમપુર અને જાફરાબાદ તેમ જ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ, અમરોહા, હાપુડ અને મેરઠ સહિત ઘણા સ્થળોનો સમાવેશ થાય છે
૯. દરોડા દરમિયાન, દેશી બનાવટનો રોકેટ લોન્ચર, બોમ્બ બનાવવાની સામગ્રી – કેમીકલ્સ અને રિમોટ કેન્ટ્રોલથી વિસ્ફોટ કરવાની ડિવાઇસિસમાં ટાઇમર તરીકે ઉપયોગ કરી શકાય એવી ૧૨૦ અલાર્મ ક્લોક્સ ઉપરાંત ૧૨૦ પિસ્તોલ અને ૧૫૦ રાઉન્ડનો દારૂગોળો પણ કબજે કરવામાં આવ્યા છે.
૧૦. દરોડા દરમિયાન અધિકારીઓએ ૧૦૦થી વધુ મોબાઇલ ફોન, ૧૩૫ સિમકાડ્‌ર્સ, લેપટોપ્સ અને રોકડ ૭.૫ લાખ રૂપિયા પણ કબજે કર્યા છે.