(એજન્સી) મુંબઇ, તા. ૧૩
ગયા અઠવાડિયે કટ્ટરવાદી હિંદુવાદી જૂથના સભ્યના ઘરે દરોડા પાડ્યા બાદ મહારાષ્ટ્ર એટીએસે ગૌવંશ રક્ષા સમિતિના સભ્ય સહિત ત્રણની ધપરકડ કરી છે જેમાં મુખ્ય આરોપી વૈભવના ઘરેથી રવિવારે તેને ત્રણ પિસ્તોલ મળી આવી છે. એટીએસના ટોચના અધિકારીએ કહ્યું છે કે, વૈભવના ઘરેથી ૧૦ પિસ્તોલ કબજે કરવામાં આવી છે. ત્રણ આરોપીઓની પૂછપરછને આધારે આ પિસ્તોલ કબજે કરવામાં આવી છે. આ પિસ્તોલો ઉત્તરપ્રદેશમાંથી લાવવામાં આવી હોય તેવી શક્યતા છે. અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ કે, આ પિસ્તોલ લાવવામાં આવી છે કે, પછી બનાવવામાં આવી છે. એટીએસ હવે પકડાયેલા આરોપીઓની એ દિશામાં તપાસ કરી રહી છે કે, હથિયારો બનાવવાનું તેમનું કોઇ યુનિટ છે કે, પછી તેઓએ આ હથિયારો ઉત્તરપ્રદેશ અથવા આસામમાંથી ખરીદ્યા છે. એટીએસ પકડાયેલા અન્ય આરોપી સુધાનવા ગોંધાલેકર દ્વારા ચલાવાતી ગ્રાફિક્સ ફર્મની પણ તપાસ કરી રહી છે, સુધાનવા ૧લી જાન્યુઆરીના રોજ ભીમા કોરેગાંવ નજીક હિંસાના સંદર્ભમાં શ્રી શિવપ્રતિષ્ઠાનના અધ્યક્ષ સંભાજી ભિડે સામે બે ફરિયાદ નોંધાઇ છે અને ગોંધાલેકર આ સંગઠનનો સભ્ય છે. એટીએસ નાલાસોપારામાંથી પકડાયેલા આરોપી શરદ કલાસકર પાસેથી બોમ્બ બનાવવાના મળી આવેલા સાહિત્યની પણ તપાસ કરી રહી છે. બીજી તરફ એટીએસ બુદ્ધિજીવી નરેન્દ્ર ડાભોલકર અને સીપીઆઇ નેતા ગોવિંદ પાનસરેની હત્યામાં પકડાયેલા ઇએનટી સ્પેશ્યાલિસ્ટ વિરેન્દ્ર તાવડે સાથે આ ઘટનાના તાર જોડાયેલા છે કે, કેમ તે અંગે પણ તપાસ કરી રહી છે. તપાસમાં સંકળાયેલા અન્ય એક અધિકારીએ કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં હથિયારો બનાવવાની ફેક્ટરીની જરૂર અંગે તાવડે અને ભાગેડુ આરોપી તથા સનાતન સંસ્થાના સભ્ય સારંગ સાથે મેઇલ પર વાત થઇ હતી. તેમણે કહ્યું કે, અમારી તપાસ આ હથિયારોની મહારાષ્ટ્રમાં કોઇ ફેક્ટરી ખોલવાની તૈયારી હતી કે, પછી તેને બીજા રાજ્યમાંથી ખરીદવામાં આવ્યા છે. તાવડે હિંદુ જનજાગરણ સમિતિનો સભ્ય છે જે સનાતન સંસ્થા સાથે પણ સહાનુભૂતિ ધરાવે છે. અધિકારીએ કહ્યું છે કે, આ બંનેએ ૨૦૦૮ અને ૨૦૧૩ વચ્ચે એકબીજાને ઇમેલ કર્યા હતા અને ૨૦૦૯ તથા ૨૦૧૦માં તેમણે એક ઇમેલ પર હથિયારોના સાહિત્ય અંગે વાતો કરી હતી. દાભોલકર કેસમાં તપાસ કરી રહેલા સીબીઆઇ અધિકારીએ કહ્યું હતું કે, તાવડેએ કારખાના (હથિયારોની ફેક્ટરી) વિશે વાત કરી હતી જ્યારે અન્ય મેલમાં દેશી સાહિત્ય મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાંથી મળી રહેશે અને વિદેશી સાહિત્ય આસામમાંથી મળી રહેશે તેવી વાત કરી હતી. પૂછપરછ દરમિયાન તાવડેએ કહ્યું હતું કે, તમામ ઇમેલ કોડવર્ડમાં હતા અને હિંદુ રાષ્ટ્ર સ્થાપવા માટે ૧૫,૦૦૦ સેવકોની આર્મીનું સંગઠન તૈયાર કરવાની યોજના હતી. કારખાનાનો કોડવર્ડ હથિયારોની ફેક્ટરીના સંદર્ભમાં હતો જેમાં તાવડે તેને સ્થાપવા માગતો હતો.