(એજન્સી) કોલકાતા, તા.૧૨
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે રાજ્યની તમામ ૪૨ લોકસભા બેઠકો માટેના તૃણમુલ કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં હાલના ચાલુ ૧૦ સાંસદોને પડતા મુકાયા છે. ૪૧ ટકા મહિલાઓને ટિકિટ ફાળવતી યાદીમાં મિમિ ચક્રબોર્તી અને નુસરત જહાં જેવી સેલિબ્રિટિઝના નામો પણ સામેલ છે. આ યાદીમાં સંસદમાં પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન ભાષણથી પ્રશંસા મેળવનારા હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને જાણીતા ઇતિહાસકાર સુગતો બોઝનો સમાવેશ થાય છે. મમતા બેનરજીએ કહ્યું કે, તેમની યુનિવર્સિટીમાંથી પરવાનગી નહીં મળવાને કારણે તેમને યાદીમાંથી બહાર રખાયા છે. ડો. બોઝના સ્થાને તૃણમુલ કોંગ્રેસે જાદવપુર મતવિસ્તારમાંથી આશ્ચર્યજનક રીતે ટોચના બંગાળી અભિનેત્રી મિમિ ચક્રબોર્તીને ટિકિટ આપી છે. અન્ય સેલિબ્રિટી નુસરત જહાંને ચાલુ સાંસદ ઇરશાદ અલીના સ્થાને બારીશાતમાંથી ઉમેદવાર બનાવ્યા છે. બંગાળી અભિનેતા અને દેવ તરીકે ફેમસ દીપક અધિકારી ઘટાલ મતવિસ્તારમાંથી ફરી ચૂંટણી કરાવવા માગણી કરી શકે છે. હાવડામાંથી તૃણમુલે અર્જુન એવોર્ડ વિજેતા અને ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન પ્રસૂન બેનરજીને ફરી ટિકિટ આપી છે. અભિનેત્રી સતાબ્દી બિરભૂમની બેઠક જાળવી રાખવા ફરી ચૂંટણી લડશે જ્યારે ૨૦૧૪માં બાંકુરામાંથી સીપીઆઇએમના બાબુદેબ આચાર્ય સામે આશ્ચર્યજનક જીત મેળવનારા મુન મુન સેનને આસનસોલમાંથી ટિકિટ અપાઇ છે જ્યાં તેઓ ભાજપના ઉમેદવાર અને સિંગરમાંથી કેન્દ્રીય મંત્રી બનેલા બાબુલ સુપ્રિયો સામે ટક્કર આપશે. ૧૧ એપ્રિલથી શરૂ થનારી આ વર્ષની રાષ્ટ્રીય ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળમાં સાતેય તબક્કામાં મતદાન થશે. ચૂંટણીના પરિણામ ૨૩મી મેએ આવશે. કોંગ્રેસ અને ડાબેરીઓએ એકસાથે ચૂંટણી લડવાનો નિર્ણય કરતા રાજ્યમાં તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. પત્રકાર પરિષદમાં મમતા બેનરજીએ ભાજપ અને મોદી સરકાર પર પ્રહારો કરતા દાવો કર્યો કે, તેમને માહિતી મળી છે કે, મતદારોને લાંચ આપવા માટે નાણા પહોંચાડવા વીવીઆઇપીઓ હેલિકોપ્ટર અને ચાર્ટર ફ્લાઇટ્‌સનો ઉપયોગ કરશે. તૃણમુલ કોંગ્રેસના પ્રમુખે રાફેલ સોદા, ખેડૂતોની અવદશા તથા બેરોજગારી મુદ્દે સરકાર પર ફટકાર વરસાવી હતી. જે લોકોના યાદીમાં નામ નથી તેઓ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરશે. તેમણે કહ્યું કે, તૃણમુલ કોંગ્રેસ ઓડિશા, આસામ, ઝારખંડ, બિહાર અને અંદામાન તથા નિકોબારની કેટલીક બેઠકો પર પણ ઉમેદવારો ઉતારશે.