(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.રપ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામના બળાત્કારના કેસમાં સંડોવાયેલ આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા કોર્ટે ફટકારી છે.
પ્રાપ્ત વિગતો મુજબ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામના શંકરપરા વિસ્તારમાં રહેતા સંજય ઉર્ફે રાહુલ સુરેશભાઈ મીઠાપરા (ઉ.વ.ર૩) અને તેનો સગોભાઈ અજય સુરેશભાઈ મીઠાપરા (ઉ.વ.૧૯) નામના શખ્સોએ એકબીજાને મદદગારી કરી ગત તા.ર૩-૪-૧૬ના રોજ વ્હેલી સવારના સુમારે ઢસા ગામ શંકરપરામાંથી આ કામના આરોપી સંજય સુરેશભાઈ મીઠાપરા આ કામના ફરિયાદીની દીકરી ભોગ બનનાર (ઉ.વ.૧૩ વર્ષ ૧ માસ) ની સગીર હોવાનું જાણવા છતાં ભોગ બનનારનું ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ, ભોગ બનનાર સાથે આરોપી સંજયે અવારનવાર બળાત્કાર કરેલ અને આરોપી સગો તેનો ભાઈ અજય મીઠાપરાએ સંજય સાથે ફોનમાં વાતચીત કરી સદર ગુનામાં એકબીજાને મદદગારી કરી હોવાની ઢસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ ભાવનગરના સ્પે. જજ (પોકસો) અને ચોથા એડીશનલ સેશન્સ જજ એમ.જે. પરાસરની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને તકસીરવાર ઠરાવી ૧૦ વર્ષની સખદ કેદની સજા અને રૂા.૧૦ હજારનો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા ફટકારી છે.