આણંદ,તા.૧૪
આણંદ જિલ્લાનાં વલ્લભવિદ્યાનગર ખાતે જીસેટ ઓડોટોરીયમમાં ગુરૂવારે વેલેન્ટાઈન પર્વ નિમિત્તે શહીદ ભગતસિંહ યુથ ફાઉન્ડેશનનાં ઉપક્રમે દેશ પ્રેમયાત્રા કાર્યક્રમ યોજાયો હતો,જેમાં રાજયનાં પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની ટીકા કરનારાઓને સણસણતો જવાબ આપતાં કહ્યું હતું કે વૈભવી જીવનમાં રહેતા જવાહરલાલ નહેરુએ દેશની આઝાદી માટે વૈભવનો ત્યાગ કરીને પોતાની જિંદગીનાં દસ મહત્વનાં વર્ષો જેલમાં ગુજાર્યા હતા. જયનારાયણ વ્યાસએ વધુમાં કહ્યું હતું કે જે દેશ તેનાં શહીદો અને ઈતિહાસને બલિદાન આપનારાઓને ભૂલી જાય છે,તે દેશ દુર્ગતીને પામે છે,દેશની આઝાદી માટે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવાઓએ પોતાની કારકિર્દીનાં મધ્યાહન સમયે દેશની આઝાદી માટે પોતાની કારકિર્દીને છોડી દઈ દેશની આઝાદીમાં ઝંપલાવ્યું હતું,ત્યારે આપણને આજે આ મોંધી આઝાદી મળી છે,તેમણે કહ્યું હતું કે આજનાં યુવાનોમાં દેશ માટે મરી મીટવાની લાગણી રહી નથી અને માત્ર કમાણી પાછળ તેઓ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે, અને જેનાં કારણે આજે સમાજનાં મૂલ્યો બદલાયા છે.અને સમાજનાં કાર્યક્રમોમાં સામાજીક કાર્યકરો કે સમાજ માટે કામ કરનારા લોકો નહી પણ કાર્યક્રમમાં દાન આપનારા બુટલેગરો મંચ પર બેસે છે,તેમણે કહ્યું હતું કે આઝાદી સમયે ચર્ચીલે પણ કહ્યું હતું કે આઝાદી બાદ દેશમાં અંદરો અંદર લોકો લડી મરશે અને ગુંડા મવાલીઓ આ દેશમાં હાવી થઈ જશે,તેઓએ વલ્લભવિદ્યાનગરની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપનારા સરદાર પટેલ ,ભાઈકાકા અને ભીખાભાઈ સાહેબને પણ યાદ કર્યા હતા અને તેમનાં યોગદાનનાં કારણે આજે તમે આ શિક્ષણ નગરીમાં અભ્યાસ કરી રહ્યા છો તેમ જણાવ્યું હતું.