ભાવનગર, તા.૬
પાંચ વર્ષ પૂર્વે ભાવનગર જિલ્લાના રંઘોળા ગામે જૂના ઝઘડાની દાઝ રાખી અને સ્કૂટર ભટકાડવાની નજીવી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ મારામારી અંગેનો કેસ આજરોજ ભાવનગરના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ વિજયસિંહ રાણાની અદાલતમાં ચાલી જતા, અદાલતે આરોપીઓ સામેનો ગુનો સાબિત માની ઈપીકો-૩૦૭ના ગુનામાં ત્રણ આરોપીઓને દશ વર્ષની સખ્ત કેદની સજા જ્યારે સામા પક્ષે ઈપીકો-પ૦૬(ર) સહિતની જુદી-જુદી કલમો હેઠળ ચાર વર્ષની સજા અદાલતે ફટકારી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મનિષ બાલાભાઈ કોતર (રહે.રંઘોળા, ઉમરાળા) નાએ આરોપી વિરૂદ્ધ ઈપીકો-૩૦૭ સહિતની ફરિયાદ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં ગત તા.૨૪/૨/૧૩ના રોજ તેઓ મોટરસાઈકલ લઈને રંઘોળા ડેમે ખોદકામ ચાલતું હોય ત્યાં તેમનું ટ્રેક્ટર ચાલતું હોઈ તેના કામે ગયેલા અને સાંજના પાંચ વાગે રંઘોળા ડેમથી ઘર તરફ પાછા આવતા કોળી કરસનભાઈની દુકાન પાસે પહોંચતા સામેથી આવતા આજ ગામમાં રહેતા આહીર મહેશ દેવા કોતર તેનું મોટરસાઈકલ લઈને આવ્યો હતો અને સામસામી મોટરસાઈકલ ભટકાડતા, બંને વચ્ચે બોલાચાલી અને લડાઈ-ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને પક્ષના શખ્સો ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ તેઓને ઝમરૂખ ક્યારામાં ખાના પાડેલ હોય જે કાઢવા દાડિયા કરવા માટે તેઓ તથા દાદા તેના દાદાનો દીકરો જગદીશ રામાભાઈ બંને પોતાની મોટરસાઈકલ ઉપર ડોડા ગામે દાડિયા કરવા જતા હતા, તે વેળાએ રસ્તે હનુમાનની ડેરી તરીકે ઓળખાતી શેરીમાં પહોંચતા આરોપી મહેશ દેવાનું ઘર આવતું હોય ત્યાં બજારમાં રાત્રીના સુમારે ૮ વાગ્યે બાકડા પર મહેશ દેવા કોતર, દેવા ભીમા કોતર, હરસુર ભીમા કોતર અને હિરેન હરસુર કોતર નામના શખ્સો બેઠા હતા. તેમણે એકસંપ કરી લાકડી, ધોકા તલવાર જેવા હથિયારો વડે જગદીશ રામભાઈને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા ઉમરાળા પોલીસે ઉપરોક્ત ચારેય શખ્સો સામે ઈપીકો કલમ ૩૦૭, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩પ મુજબનો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના છઠ્ઠા એડિ. સેશન્સ જજ વિજયસિંહ રાણાની અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી મહેશ દેવા કોતર, દેવા ભીમા કોતર, હરસુર ભીમા કોતર (આરોપી ગુજરી ગયેલ છે, તેઓની સામેનો કેસ એબેટ કરવામાં આવેલ છે.) તથા આરોપી હિરેન હરસુર કોતર સામેનો ઈપીકો કલમ ૩૦૭ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં ત્રણેય આરોપીને તકસીરવાન ઠરાવી દશ વર્ષની સખ્ત કેદની સજા અને દરેકને રોકડા રૂા.રપ,૦૦૦નો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા અદાલતે ફટકારી હતી, તેમજ ત્રણેય આરોપી પાસેથી દંડ પેટે આવેલ રકમમાંથી રૂા.પ૦,૦૦૦ ઈજા પામનાર જગદીશભાઈને વળતર તરીકે ચૂકવવા અદાલતે હુકમ કર્યો હતો, જ્યારે સામા પક્ષે ફરિયાદી મહેશ દેવાભાઈ કોતરે ઉમરાળા પોલીસ મથકમાં તેમને ધાક-ધમકી આપી માર માર્યાની પોલીસ ફરિયાદ જગદીશ રામભાઈ કોતર અને મનીષ બાલાભાઈ કોતર સામે ઈપીકો કલમ-૩ર૩, ૩ર૪, પ૦૬(ર) મુજબનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજની અદાલતમાં ચાલી જતાં જજ વિજયસિંહ રાણાએ ઉક્ત બંને આરોપી પૈકીના આરોપી જગદીશ રામભાઈ કોતર સામે ઈપીકો કલમ ૩ર૩ મુજબના ગુનામાં ૧ વર્ષની સજા અને રૂા.૧૦૦૦નો દંડ તથા ઈપીકો કલમ ૩ર૪ મુજબના ગુનામાં ૩ વર્ષની સજા અને રોકડા રૂા.પ૦૦૦ દંડ અને ઈપીકો કલમ પ૦૪(ર) મુજબ ર વર્ષની સજા અને રોકડા રૂા.રપ૦૦ દંડ તથા ઈપીકો પ૦૬(ર) મુજબના ગુનામાં ૪ વર્ષની સજા અને રોકડા રૂા.પ૦૦૦ દંડ અદાલતે ફટકાર્યો હતો.