ભાવનગર, તા.૩૦
ભાવનગર શહેરના આવેલ માધવ મગન આંગડિયા પેઢીની લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ સામે લૂંટ સહિતનો ગુનો સાબિત માની અદાલતે પાંચેય આરોપીઓને ૧૦ વર્ષની કેદની સજા ફટકારી હતી.
ફરિયાદી કિર્તીસિંહ ભુરાજી વાઘેલા (રહે. હાલ મહેતા શેરી, મૂળ ગામ કંથારાવી, તા.ઉંઝા, જિ. મહેસાણા)એ ગઈ તા.ર૭-૭-ર૦૧૩ના રોજ માધવલાલ મગનલાલ આંગડિયા પેઢીની વારી લઈને વોરાબજારવાળી ઓફિસેથી કંપનીનું સ્કુટર લઈને નીકળેલા સાંજના ૪ વાગ્યાના સુમારે ભાવનગર શહેરના જશોનાથ સર્કલથી પાનવાડી તરફ જતા રસ્તે આયુર્વેદિક કોલેજની સામે રોડ ઉપર પહોંચતા તે વખતે આરોપીઓ (૧) સંજય ભોથાભાઈ કાસોટિયા જાતે ભરવાડ (ઉ.વ.૧૯ રહે. કુંભારવાડા નારી રોડ, મફતનગર), (ર) રમેશ ખીમજીભાઈ ચોહલા જાતે ભરવાડ (ઉ.વ.ર૦, રહે. કુંભારવાડા, મફતનગર), (૩) હરેશ ઉર્ફે હેરી કિશોરભાઈ ખસિયા જાતે કોળી (ઉ.વ.રર, રહે. કુંભારવાડા, ખાતરવાડી), (૪) ભરતભાઈ ઉર્ફે ભદો ઉર્ફે મારવાડી જેકસીભાઈ ચૌહાણ જાતે મુસ્લિમ (ઉ.વ.ર૦, રહે. કુંભારવાડા), (પ) તાહીર મુસ્તુફાભાઈ શેખ જાતે મુસ્લિમ (ઉ.વ.ર૩, રહે. કુંભારવાડા) નામના આરોપીઓએ અગાઉ રચેલ ગુનાહિત કાવતરૂ પાર પાડવા એક સંપ કરીને પોતાના સી.બી.ઝેડ. મોટરસાઈકલ નં. જી.જે.૪ બીજી ૪પ૦૪ તથા હીરોહોન્ડા સ્પ્લેન્ડર મો.સા. નં. જી.જે. ૪ બીએ ૮૧૮ર ઉપર આવી ચાલુ મોટરસાયકલે આરોપીઓએ ઉક્ત ફરિયાદીને લાકડાના ધોકા વડે ઘા ઝીંકી માર મારી ઈજા પહોંચાડી મોટરસાયકલ સાથે નીચે પછાડી દઈ તેમની પાસે રહેલા હીરા તથા સોના-ચાંદીના દાગીના ભરેલ પર્સનો થેલો કિ.રૂા.૧૭,પપ,૮૭પ/-ની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા.
આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના સેશન્સ જજ સુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે ઉક્ત પાંચેય આરોપીઓ સંજય કાસોટિયા, રમેશ ચોહલા, હરેશ ખસીયા, ભરત ચૌહાણ, તાહીર શેખને તકસીરવાન ઠરાવી ગુનો સાબિતમાની ઈપીકો કલમ-૩૯૪ મુજબના ગુના સબબ પાંચેય આરોપીઓને ૧૦ વર્ષની સખત કેદની સજા, રોકડા રૂા. પ હજાર દંડ આરોપીઓ દંડ ન ભરે તો વધુ પાંચ માસની સખત કેદની સજા, ઈપીકો કલમ-૩૯પ મુજબના ગુના સબબ તમામ આરોપીઓને ૧૦ વર્ષની સખત કેદની સજા, રોકડા રૂા.પ હજાર દંડ, અને દંડ ન ભરે તો પાંચ માસની સજા, ઈપીકો કલમ-૧ર૦(બી) ગુના સબબ તમામ આરોપીઓને ૬ માસની સખત કેદની સજા અને રોકડા રૂા.૧ હજારનો દંડ ફટકાર્યો હતો.