(એજન્સી) કોલકાત્તા, તા.૩
મમતા બેનર્જી દ્વારા પ.બંગાળના ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી બેનર્જીએ જાહેર કર્યું છે કે, હવેથી ખેડૂતોના પાકના વીમાનું આખું પ્રીમિયમ રાજ્ય સરકાર ભરશે. બેનર્જીએ આ જાહેરાત બિરભૂત જિલ્લાના બોલપુરમાં આવેલા ગીતાજંલિ એડિટોરિયમમાં યોજાયેલ વહીવટી સમીક્ષાની બેઠક દરમિયાન કરી.
તેણીએ જણાવ્યું કે, પાક વીમા યોજનામાં રાજ્ય સરકાર ૮૦ ટકા તથા કેન્દ્ર સરકાર ર૦ ટકા રકમ આપે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, કેન્દ્ર પાક વીમા યોજનાને પોતાની યોજના હોવાનો દાવો કરે છે. આ ભંડોળ રાજ્ય દ્વારા સીધું જ બેંક ખાતાઓમાં જમા થશે, જ્યારે વીમા કંપનીઓ કેન્દ્ર સરકાર માટે જાહેરાતમાં ફોટોગ્રાફર મૂકશે.
મમતાએ ‘કૃષક બંધુ’ હેઠળ બે નવી યોજનાઓની ઘોષણા કરી છે. રાજ્યમાં ખેડૂત પરિવારના ૧૮થી ૬૦ વર્ષની વય ધરાવતા કોઈપણ સભ્યનું મોત થાય તો સરકાર બે લાખ રૂપિયાનું વળતર આપશે. અન્ય યોજના હેઠળ સરકાર ખેડૂતોને ખરીફ અને રવીની સિઝનમાં દર વર્ષે પ્રતિ એકર જમીન પર અઢી હજારના હિસાબે કુલ પ૦૦૦ રૂપિયા સહાય રકમ તરીકે આપશે.
બિરભૂમ જિલ્લામાં ‘જોલ ધોરો જોલ ભોરો’ યોજનાઓની જરૂરિયાતો પર ભાર મૂકતા સીએમ બેનર્જીએ અધિકારીઓને જિલ્લાના દુકાળગ્રસ્ત વિસ્તારોની ઓળખ કરી તેના પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને કહ્યું કે, ૧૦૦ દિવસોની નરેગા યોજના હેઠળ વધારે તળાવોને ખોદવામાં આવે જેથી જોલ ધોરો જોલ ભોરોની યોજના હેઠળ દુકાળની પરિસ્થિતિના સમયે સંગ્રહ કરાયેલા પાણીનો ઉપયોગ થઈ શકે.
તેણીએ ઉમેર્યું હતું કે, બિરભૂમ જિલ્લામાં પીવાના તેમજ સિંચાઈના આ બંને પાણીની સમસ્યા છે. સિંચાઈ માટે વૈકલ્પિક ટ્યુબવેલની વ્યવસ્થા કરવામાં આવશે અને પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે માર્ચથી એપ્રિલની વચ્ચે પગલાં લેવામાં આવશે.