(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ બનાવી છે. આજરોજ સ્ક્રિનિંગ કમિટીના ચેરમેન બાલાસાહેબ થોરાટના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ઉમેદવારોની પસંદગીના ધારાધોરણો, કેવાને ટિકિટ આપવી, કોને ન આપવી ? જેવા મુદ્દાઓ પર મહત્ત્વની ચર્ચા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં શહેરી વિસ્તારના ઉમેદવારોની વહેલીતકે પસંદગી કરવા ભાર મૂકાયો હતોે. સ્ક્રીનીંગ કમિટીના નેતાઓની બેઠકોનો દોર આવતીકાલે પણ પ્રદેશ કોંગ્રેસ ઇલેકશન કમીટીના હોદ્દેદારો સાથે જારી રહેશે. મહારાષ્ટ્રના સાંસદ બાલાસાહેબ થોરાટના અધ્યક્ષ પદે ચાર સભ્યોની સ્ક્રીનીંગ કમિટીએ આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને પ્રદેશ કોંગ્રેસ ઇલેકશન કમિટીના હોદ્દેદારો સાથે બેઠકોનો દોર યોજયો હતો. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના સ્થાનિક નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં કયા ઉમેદવારોને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવી અને કોને ટિકિટ ના આપવી તેના પસંદગીના ધારાધોરણો પણ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં બે વખત વિધાનસભાની ચૂંટણી હારી ગયા હોય તેવા ઉમેદવારો, ૭૦ વર્ષથી વધુની વયના ઉમેદવારો અને ૨૦ હજારથી વધુ મતોથી હારેલા ઉમેદવારોને વિધાનસભાની ચૂંટણીની ટિકિટ નહી આપવાનું નક્કી કરાયું હતું. જયારે બીજીબાજુ, પક્ષ માટે સો ટકા જીતી શકે તેવા ઉમેદવારોને પછી ભલે તેમાં પાયાનો કાર્યકર જ ના હોય પરંતુ તેને ટિકિટ આપવી જોઇએ તેવો સૂર પણ વ્યકત થયો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા રચાયેલી આ મહત્વની સ્ક્રીનીંગ કમિટી ગુજરાત કોંગ્રેસની ઇલેકશન કમિટી દ્વારા જે ઉમેદવારોની પસંદગી પર ભાર મૂકાશે તેનું સ્ક્રીનીંગ, ચકાસણી-ખરાઇ અને આખરી ઓપ આપવાનું કામ કરશે. જે ઘણી મહત્વની અને નિર્ણાયક કામગીરી મનાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આ વખતે ૧૨૫ પ્લસ બેઠકો હાંસલ કરવાના લક્ષ્યાંકને પામવા ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પસંદગી માટે અગાઉથી જ રાજયના ચાર ઝોનમાં લોકો વચ્ચે જઇ તેમની સમસ્યા, તકલીફ અને પ્રશ્નો જાણી ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે, સાથે સાથે રાજયના તમામ મતક્ષેત્રોમાં કયા ઉમેદવાર માટે પ્રજાનો કેવો મૂડ અને પ્રતિભાવ છે તે જાણવા ખાસ સર્વે કરાયો છે અને તેમાં મીડિયાથી માંડી સ્વૈચ્છિક સંગઠનો અને સ્થાનિક આગેવાન અને પ્રજાજનોની મદદ પણ લેવામાં આવી છે કે, જેથી કોંગ્રેસને સાચા અને જીતી શકે તેવા ઉમેદવારની પસંદગી કરવામાં સરળતા રહે. આ વખતની ચૂંટણી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાભરી અને ઇજ્જતના સવાલ સમી હોઇ કોંગ્રેસ કોઇપણ મુદ્દે કચાશ રાખવા માંગતી નથી કે, કોઇ બાંધછોડ કરવા માંગતી નથી. એટલે જ ઉમેદવારોની પસંદગી અને ટિકિટના મુદ્દે પણ કાચુ ના કપાય તેનું કોંગ્રેસ ખાસ ધ્યાન રાખી રહી છે.