(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશના નવથી વધુ રાજ્યોમાં વરસાદ અને તોફાને ભારે તાંડવ મચાવ્યું હતું. આ તાંડવમાં ૧૧૦થી પણ વધુ લોકોનાં મોત થઇ ગયા છે. સેંકડો લોકો ઘાયલ થયા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયું છે. મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા છે. બચાર અને રાહત કામગીરી તમામ અસરગ્રસ્ત રાજ્યોમાં ચાલી રહી છે. રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ પંજાબના જુદા-જુદા ભાગોમાં વિનાશકારી તોફાનના કારણે ઓછામાં ઓછા ૧૧૦ લોકોનાં મોત થયા છે. સેંકડો લોકો ઘાયલ થયા છે.
ધૂળ ભરેલી આંધી સાથે આવેલા તોફાનમાં ભારે નુકસાન થયું છે. કેટલીક જગ્યાઓએ વરસાદ પણ તૂટી પડ્યો છે. નવથી વધુ રાજ્યોમાં પ્રચંડ તોફાનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. કાચા મકાનો પડી ગયા છે. પાકા મકાનોને પણ નુકસાન થયું છે. મકાનોની દીવાલ ધરાશાયી થવા, હોર્ડિંગ્સ પડવા, વીજ કરંટ અને અન્ય સંબંધિત ઘટનાઓમાં ભારે તબાહી થઇ છે. આંધી અને વરસાદના કારણે તાપમાનમાં ૧૦ ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો. મૌસમ વિભાગના નિષ્ણાંતોએ કહ્યું છે કે પશ્ચિમી ડિસ્ટર્બન્સના કારણે આવેલા આ તોફાનના કારણે જનજીવન ખોરવાઇ ગયું હતું. પંજાબમાં પણ તેની અસર જોવા મળી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે કહ્યું છે કે પશ્ચિમી ઉત્તરપ્રદેશના છ જિલ્લામાં ૬૪ લોકોનાં મોત થયા છે. જે પૈકી આગ્રામાં સૌથી વધુ ૪૫ લોકોનાં મોત થયા છે. બિઝનૌરમાં ત્રણ લોકોનાં મોત થયા છે. સહારનપુરમાં બે લોકોનાં મોત થયા છે. ચિત્રકુટમાં એક, રાયબરેલીમાં એક અને બરેલીમાં એક વ્યક્તિનું મોત થયું છે. કાનપુરમાં પણ બે લોકોનાં મોત થયા છે. ઉત્તરપ્રદેશના મહેસૂલી અને રાહત અધિકારીએ કહ્યું છે કે મોતનો આંકડો વધી શકે છે. આગ્રામાં સૌથી વધારે અસર થઇ છે. ઉત્તરપ્રદેશના ૩૧ જિલ્લાઓમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આગ્રાના સંબંધિત વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, ૨૪ કલાકની અંદર રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ૨૪ કલાકમાં ૪-૪ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘાયલ થયેલા લોકોને ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાયતા જાહેર કરવામાં આવી છે. આગ્રાના શહેરી ક્ષેત્રના બદલે ગ્રામિણ વિસ્તારોમાં વધારે તબાહી થઇ છે. માત્ર ૯૦ મિનિટ સુધી આંધી, વરસાદ અને પ્રચંડ પવનના કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થયા હતા. શહેરી ક્ષેત્રોમાં હોર્ડિંગ્સ પડી ગયા હતા. તાજમહેલ સંકુલમાં પણ બે વૃક્ષો ધરાશાયી થયા છે. એકલા આગ્રામાં શહેર અને ગ્રામિણમાં મળીને ૪૫નાં મોત થયા છે. ખેરાગઢમાં સૌથી વધુ ૧૫નાં મોત થયા છે. બીજી બાજુ જયપુરથી પ્રાપ્ત અહેવાલ મુજબ રાજસ્થાનના બીકાનેર, ભરતપુર, અલવર અને ધૌલપુરમાં તોફાનના કારણે સૌથી વધારે નુકસાન થયું છે. રાજસ્થાનમાં ૧૩૭નાં મોત થયા છે. આ તમામ જિલ્લાઓમાં વીજળી ડૂલ થઇ ગઇ છે. ચુરૂ, પિલાની, દોસા અને ઝુંઝુનુમાં કરા પડ્યા છે. રાજસ્થાનના પાટનગર જયપુરમાં પણ વરસાદી છાંટા પડ્યા છે. જાનમાલનું ભારે નુકસાન થયું છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ તમામ અધિકારીઓ અને મંત્રીઓને તોફાનગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ જવા અપીલ કરી છે. માર્યા ગયેલા લોકો અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે. ગુલાબચંદ કટારિયા અને અલવર અને અરૂણ ચતુર્વેદીને ધોલપુરની જવાબદારી સોંપવામાં આવી છે. હાલત ખુબ જ કફોડી બનેલી છે. આગ્રા જિલ્લામાં ૪૮.૨ મીમી વરસાદ થયો છે. અલવરમાં ત્રણ, ભરતપુરમાં ૯ અને ધોલપુરમાં બેનાં મોત થયા છે. તોફાનની ગતિ આશરે ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની હોવાની માહિતી મળી છે. સેંકડો વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. પાટનગર જયપુરમાં પણ અસર જોવા મળી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી છાટ્યા પડ્યા હોવાના પણ અહેવાલ મળ્યા છે. આંધીના કારણે જાનમાલનું ભારે નુકસાન થયું છે. વિનાશક આંધીના કારણે અલવરમાં કારથી ભરેલી એક ટ્રેક ઉંઘી વળી ગઇ હતી.

ઉત્તર – પૂર્વ ભારતમાં ૧૦૦થી વધુનો ભોગ લેનારા ‘અસ્વાભાવિક’ તોફાન માટેનું કારણ શું ?
ઉત્તર અને પૂર્વ ભારતમાં બુધવારથી શરૂ થયેલા ધૂળના અનોખા તોફાને ભારે તારાજી સર્જી છે અને મોટાભાગની સંપત્તિઓ તથા પાકને ભારે અસર થઇ છે જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, કેટલીક બાબતોનો સંગમ થયો હોવાથી આ સ્થિતિ સર્જાઇ છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશના નવથી વધુ રાજ્યોમાં વરસાદ અને તોફાને ભારે તાંડવ મચાવ્યું હતું. આ તાંડવમાં ૧૧૦થી પણ વધુ લોકોના મોત થઇ ગયા છે. સેંકડો લોકો ઘાયલ થયા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયું છે. રાજ્યોમાં ભારે ખાનાખરાબી સર્જાઇ છે અને ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને આંધ્રપ્રદેશમાં વૃક્ષો ધરાશાયી થયા જ્યારે પંજાબમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. પૂર્વથી આવતા પવનો અને ભારે તાપમાનને કારણે સમગ્ર પરિસ્થિતિ બદલાઇ છે તેમ હવામાન ખાતાના સિનિયર અધિકારી કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હીના કેટલાક ભાગો પરથી ભારે પવનો ફૂંકાયા હતા. સ્કાયમેટ હવામાન ખાતાના મેટ્રોલોજિસ્ટ મહેશ પાલાવતે કહ્યું કે, આને અસ્વાભાવિક ઘટના કહેવાય. સામાન્ય રીતે ધૂળનું તોફાન આટલા મોટા વિસ્તારને આવરતું નથી. ધૂળના તોફાને રાજસ્થાન તથા હરિયાણાના મોટાભાગને આવરી લીધું હતું જ્યારે દિલ્હી તથા હરિયાણામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો. આ મજબૂત સિસ્ટમ રાજસ્થાન પરથી ઉદભવી હતી જેમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે તાપમાન જવાબદાર હોઇ શકે છે તેમ હવામાન ખાતાનું માનવું છે.