(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા. ર૮
ઇઝરાયેલ ગુજરાતને ડિજિટલ ફાર્મિંગ માટેના ૧૦૦ યુનિટ ભેટ આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઇઝરાયેલની સિંચાઇ અને ગ્રીનહાઉસ ટેકનોલોજી તથા ડિજિટલ ફાર્મિંગ ક્ષેત્રની અગ્રગણ્ય કમ્પની હીંકૈદ્બ ના સી.ઈ ઓ રન મૈદનની મુલાકાતમાં તેમણે આ ભેટ આપવાની વિગતો આપી હતી. વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઇઝરાયેલની આ ડિજિટલ ફાર્મિંગ ભેટ ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ગેઇમ ચેંજર અને ભવિષ્યમાં ગુજરાતને ડિજિટલ એગ્રીકલ્ચર તરફ લઈ જવામાં મહત્વનું કદમ બનશે.આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ મુલાકાત વેળા એ ઇઝરાયેલ દ્વારા ૨ મોબાઈલ ડિસેલીનેશન યુનિટ ભેટ આપવામાં આવ્યા હતા. ઇઝરાયેલ અને ભારત વચ્ચેના સંબંધો એક દાયકા જૂના છે. દેશમાં ૨૮માંથી ૧૮ એક્સલન્સ સેન્ટર કાર્યરત થઈ ગયા છે. ગુજરાતમાં પણ ઇન્ડો- ઇઝરાયેલ પ્રોજેક્ટ અંતર્ગત ૩ એક્સલન્સ સેન્ટર આવેલા છે. ગુજરાતે વધુ ૪ એક્સલન્સ સેન્ટર માટે આ બજેટમાં પૈસાની ફાળવણી કરી છે. રૂપાણી સરકારની ઇઝરાયેલમાં મુલાકાત એ પાણી અંતર્ગત છે.ગુજરાત અને ઇઝરાયેલ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં ૮૫ લાખ હેક્ટરમાં, રવી સિઝનમાં ૩૫ લાખ હેક્ટર અને ઉનાળુ સિઝનમાં ૧૫ લાખ હેક્ટરમાં જ વાવણી થાય છે. ગુજરાતમાં પાણીની સગવડ હોય તો ઉનાળું અને રવી સિઝનમાં પણ ખેડૂતો ખેતી કરી શકે છે. આ શક્યતાઓ તપાસવા રૂપાણી ઇઝરાયેલ ગયા છે. ગુજરાતમાં રૂપાણી સરકારનું ગટરના પાણીથી ખેતી કરવાનું આયોજન છે.