ભાવનગર,તા.૩
રાજય સરકારના શહેરી વિકાસ વિભાગે ભાવનગર મહાપાલિકા સહિતના નગરસેવકોના ભથ્થા વધારવા કમિશનરોને પત્ર લખી સુચના આપી છે. આથી ભાવ. મનપાના તમામ પર નગરસેવકોને હવેથી મિનિમમ રૂા.૧૦ હજાર ભથ્થું મળશે. આમ તો મોટા ભાગના નગરસેવકો મહાનગરપાલિકા ગેર ‘ઘર’ હાજર રહેતા હોય ફકત સાધારણ સભામાં જ દેખાતા નગરસેવકોને રૂા.૧૦ હજારનું વળતર ભાવનગરની કોર્પોરેશને ચુકવવું પડશે.
ભાવનગર મનપાના નગરસેવકોને રૂા.૩ હજાર વેતન ચુકવાતું હતું જેમાં ૪ હજાર રૂપિયાનો વધારો કરાયો છે. જયારે દર મહિને દર મીટિંગ દીઠ રૂા.પ૦૦, ટેલિફોન બિલ રૂા. ૧૦૦૦ અને સ્ટેશનરી ખર્ચ રૂા.૧પ૦૦ ચૂકવાય છે. જે યથાવત રખાયો છે. આ નિર્ણયથી કડકી કોર્પોરેશન પર દર મહિને રૂા.ર.૦૮ લાખનું આર્થિક ભારણ વધશે. જો કે, ધારાસભ્યો અને સાંસદને ચૂકવાતું વેતન જોતા નગરસેવકો પાછળ પ ટકા ખર્ચ પણ થતો નથી. તેમ એક નગરસેવકે જણાવ્યું હતું. જયારે શહેરના અને વિસ્તારના નાના નાના પ્રશ્નોને ઉકેલવા નગરસેવકોએ સતત કાર્યરત રહેવું પડતું હોય છે. ઉપરાંત પક્ષના કાર્યક્રમોમાં પણ આર્થિક ઘસારો રહેતો હોય છે.