Ahmedabad

૧૦૦૦ કિલો ચાંદીની પાટોની ચોરીના કેસમાં બે આરોપી ઝડપાયા

અમદાવાદ, તા.૨૯
શહેરના નવરંગપુરા વિસ્તારમાં પોતાના માલિકના ત્યાંથી એક હજાર કિલો ચાંદીની પાટો ટ્રકમાં ભરી કોલ્હાપુર પહોંચાડવાના રવાના થયા બાદ રસ્તામાં જ પોતાના સાગરિતો સાથે મળી કાવતરૂ કરી એક હજાર ચાંદીની પાટો ચોરી કરવાના ચકચારભર્યા પ્રકરણમાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા બે આરોપી ભાઇઓ મોહમંદ ઇફ્તેખાર ઉર્ફે મુન્ના સીરાઝએહમદ પઠાણ અને મહંમદરિયાઝ ઉર્ફે પપ્પુ સીરાઝએહમદ પઠાણને શહેરક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓ વર્ષ ૨૦૧૧માં મણિનગરમાં એક યુવકની હત્યાના કેસમાં પણ છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા હતા. ક્રાઇમબ્રાંચે બંને આરોપીઓની ધરપકડ કરી તેમના ગુનાહિત ઇતિહાસ અને અત્યારસુધીમાં આચરેલા ગુના સહિતના મુદ્દાઓ પર ઝીણવટભરી તપાસ આરંભી છે. શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે ભાઇઓ મોહમંદ ઇફ્તેખાર ઉર્ફે મુન્ના સીરાઝએહમદ પઠાણ અને મહંમદરિયાઝ ઉર્ફે પપ્પુ સીરાઝએહમદ પઠાણ(રહે.હાલ, મહાવીર કોમ્પલેક્ષ, રામદેવપાર્ક, મીરારોડ, મુંબઇ તથા ફરીદાબાદ સોસાયટી, જનતાનગર, રામોલ રોડ)ને ઝડપી લીધા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ પોતાના ગુનાની કબૂલાત કરી હતી કે, આરોપી મોહમંદ ઇફ્તેખારે તેના સાગરિતો સાથે મળી તેના ભાઇ મોહમંદરિયાઝના શેઠની ટ્રકમાંથી ચાંદીની પાટો ચોરવાનો પ્લાન ઘડયો હતો. જે મુજબ, ૨૦૦૩માં રીયાઝના શેઠ ડાહ્યાભાઇના બંગલામાંથી એક હજાર કિલો ચાંદીની પાટો ટ્રકમાં ભરી કોલ્હાપુર ખાતે પહોંચાડવા રવાના થયા હતા, રસ્તામાં વડોદરા કરજણ રોડ પર ટ્રકમાંથી ચાંદીની પાટો ચોરી ટાટા સુમોમાં ભરી નાસી ગયા હતા. જો કે, આ લૂંટમાં સંડોવાયેલા અન્ય શખ્સો પકડાઇ ગયા હતા અને પોલીસે ચાંદીની પાટો કબ્જે લીધી હતી પરંતુ ઉપરોકત બંને આરોપી ભાઇઓ નાસતા ફરતા હતા. આરોપીઓ ૨૦૧૧માં મણિનગરમાં ઝાકીર ઉર્ફે પપ્પુને ઓટોરીક્ષામાં લઇ જઇ રાજપુર હીરપુર કોલોની પાસે અવાવરૂ જગ્યાએ લઇ જઇ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ફુટપાથ પર ફેંકી દીધો હતો. આ ગુનામાં બંને આરોપીઓ છ વર્ષથી નાસતા ફરતા હતા. બંને આરોપીઓ વિરૂધ્ધ અગાઉ પણ મારમારી, અપહરણ, હથિયાર, લૂંટ, મર્ડર સહિતના ગુનાઓ નોંધાયેલા છે.