(એજન્સી) મુંબઈ, તા.૧૦
૧૦૦૦થી વધુ મુસ્લિમ ધર્મગુરૂઓ અને ઈમામોએ હાફિઝ સઈદ વિરૂદ્ધ પગલાં લેવા ઠરાવ પસાર કર્યો છે. ઠરાવમાં માગણી કરાઈ છે કે ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ એમને સજા આપવી જોઈએ. આ ઠરાવ દારૂલ ઉલુમ અલી હસન અહલે સુન્નતમાં આવેલ એક મદ્રેસામાં યોજાયેલ મીટિંગમાં પસાર કરાયો હતો. ઠરાવમાં જેયુડી અને અન્ય પાકિસ્તાન આધારિત ત્રાસવાદી સંગઠનોની આલોચના કરવામાં આવી હતી. આ ઠરાવની નકલ યુએનએસસીઆઈની ત્રાસવાદ વિરોધી કમિટીના વડા અમીર અબ્દેલ લતીફ અબૌલતાને મોકલી અપાઈ છે જેની બીજી નકલ વડાપ્રધાન કચેરીને પણ મોકલાઈ છે. હાફિઝ સઈદ અને અન્ય ત્રાસવાદી સંગઠનો જેની એ અધ્યક્ષતા ધરાવે છે. એ બધા આંતરરાષ્ટ્રીય શાંતિ સામે ભય ઊભો કરી રહ્યા છે. એ ભારતને ૧ નંબરનો દુશ્મન ગણાવી રહ્યો છે પણ હકીકતે એ પોતે ઈસ્લામ અને માનવતાનો દુશ્મન છે. મુંબઈ આધારિત એનજીઓ ઈસ્લામિક ડિફેન્સ સાયબર સેલના વડા ડૉ.અબ્દુલ રહેમાન અંજારિયાએ જણાવ્યું છે. જેમણે આ ઠરાવ માટે પ્રસ્તાવ મૂકયો હતો. નવા ઠરાવમાં જણાવાયું છે કે, પાકિસ્તાનમાં ૬૦ ત્રાસવાદી સંગઠનો કાર્યરત છે. યુએન સમક્ષ માગણી કરાઈ છે કે એમની સામે પગલાં લેવામાં આવે. મદ્રેસાના મૌલાના હાશ્મી અશરફીએ આ ઠરાવ પસાર કરવાનો કારણ જણાવતા કહ્યું કે ભારતીય મુસ્લિમ ધર્મગુરૂઓની નૈતિક ફરજ છે કે એ એવી વ્યક્તિનો વિરોધ કરે જે ધર્મના નામે નિર્દોષ લોકોની હત્યાઓ કરાવે છે. મુંબઈમાં આવેલ સાકીનાકા મદ્રેસાના વડા અબ્દુલ મંઝરખાન અશરફીએ જણાવ્યું કે, પાકિસ્તાન પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે અને જો લોકો સઈદને મત આપી સત્તા આપશે તો એ ફકત ભારત માટે જ નહીં પણ દુનિયા માટે ભય ઊભો કરશે. એ મુસ્લિમ યુવાઓને કટ્ટરપંથ તરફ દોરી જશે. મુફતી મોહમ્મદ મંઝર હસન ખાને આત્મઘાતી બોમ્બરો વિરૂદ્ધ ફતવો જારી કર્યો છે. ૧૩ પાનાના ઠરાવમાં જણાવાયું છે કે કાશ્મીર ભારતનો આંતરિક ભાગ છે અને આ મુદ્દે ત્રીજા પક્ષની દરમિયાનગીરી કરવાની જરૂર નથી.