જોધપુરની એસસી એસટી કોર્ટે બુધવારે સજા સંભળાવતા બળાત્કારી બાબા આસારામ ભાંગી પડ્યો હતો. વર્ષ ૨૦૧૩માં આસારામ વિરૂદ્ધ સગીર યુવતી સાથે બળાત્કારના આરોપમાં દોષિત સાબિત થયો હતો. આસારામની આ કેસમાં ૧ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ઇન્દોરના આશ્રમમાંથી ધરપકડ કરાયા બાદ ૨ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ન્યાયિક હિરાસતમાં મોકલી દેવાયો હતો. જજ મધુસુદન શર્માએ ચુકાદો સંભળાવતા આસારામ ભાંગી પડ્યો હતો.
સામ્રાજ્ય વસાવ્યું
આ ધર્મ પ્રચારકના દુનિયાભરમાં લાખો ભક્તો છે. રેપ કેસમાં ફસાયા બાદ આસારામ પરથી કૃપા ઉઠતા પટકાયો હતો. છેલ્લા ચાર દશકમાં આસારામે પોતાની સંપત્તિનું સામ્રાજ્ય ૧૦,૦૦૦ કરોડનું કરી નાખ્યું હતું. ૭૦ના દશકમાં સાબરમતીના કિનારે ઝૂંપડાવાળું આશ્રમ બાંધ્યા બાદ તેણે થોડા સમયમાં જ દેશ અને દુનિયાભરમાં પોતાના ૪૦૦થી વધુ આશ્રમ બંધાવ્યા. ૨૦૧૩ના રેપ કેસમાં ધરપકડ બાદ મોટેરાના આશ્રમ પર દરોડા બાદ તેની સંપત્તિની વિગતો સામે આવી હતી. આશ્રમની હાલની કિંમત ૧૦,૦૦૦ કરોડ આંકવામાં આવી હતી અને તેમાં બજાર કિંમતનો ઉલ્લેખ નહોતો તથા તેણે જમીન ખરીદી હોવાનો પણ ઉલ્લેખ નહોતો.કેટલાક વર્ષો બાદ તેના પર જમીન પચાવી પાડવાનો આરોપ લાગ્યો.
આશ્રમ અને પ્રચારકનો ઉદય
આસુમલ સિરૂમલાણી ઉર્ફે આસારામનો જન્મ ૧૯૪૧માં તે વખતના પાકિસ્તાનના સિધ પ્રાંતમાં થયો હતો. પોતાના માતા-પિતા સાથે આસારામ અમદાવાદ આવ્યો હતો. મણિનગરની શાળામાં ધોરણ ૩ સુધી અભ્યાસ દરમિયાન તેના પિતાના મોત બાદ તેણે અભ્યાસ છોડી દીધો. કેટલીક નોકરીઓ કર્યા બાદ આસારામ આદ્યાત્મિક પ્રક્રીયા માટે હિમાલમાં જતો રહ્યો હતો તેવોદાવો તેની વેબસાઇટ પર કરવામાં આવ્યો હતો. ૭૦ના દશકમાં આસારામ અમદાવાદ પરત ફર્યો હતો અને સાબરમતીના કિનારે મોક્ષ કુટિર નામનું આશ્રમ ૧૯૭૨માં બંધાવ્યું હતું. કેટલાક વર્ષોમાં જ આસારામની પ્રસિદ્ધી એટલી વધી કે તેના આશ્રમે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. બાકીના ચાર દશકમાં તેણે ભારત અને વિશ્વમાં પોતાના ૪૦૦થી વધુ આશ્રમ બંધાવ્યા. આસારામ લક્ષ્મી નામની મહિલા સાથે લગ્ન થયા હતા અને તેમને બે બાળકો હતા જેમાં હાલ જેલમાં રહેલા નારાયણ સાંઇ તથા પુત્રી ભારતી દેવીનો સમાવેશ થાય છે.
મુશ્કેલીઓમાં ફસાયો
વર્ષ ૨૦૦૮માં ૧૦ અને ૧૧ વર્ષના બે પિતરાઇ ભાઇઓની ક્ષત-વિક્ષત લાશો આશ્રમ પાછળના સાબમરતીના કિનારે મળી આવ્યા બાદ આસારામ પ્રથમવાર મુશ્કેલીમાં સપડાયો. બંને બાળકોના પિતાએ આસારામ પર કાલા જાદુનો આરોપ લગાવ્યો. સીઆઇડીએ ૨૦૦૯માં આસારામના સાત ભક્તોનીધરપકડ કરી હતી. જોધપુરના આશ્રમમમાં સગીરા સાથે બળાત્કારના કેસથી આસારામની પડતીની શરૂઆત થઇ. ત્યારબાદ તરત જ સુરતની બે બહેનો દ્વારા આસારામ અને નારાયણ સાંઇ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. સુરત પોલીસે પણ આસારામ અને નારાયણ સાંઇ સામે ગુનો નોંધ્યો હતો.