નવી દિલ્હી, તા.૮
સ્કૂલ લેવલે એક મેચમાં બધા રેકોર્ડ તોડી અણનમ ૧૦૦૯ રન બનાવનાર પ્રણવ ધનાવડે એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે કોઈ મોટી ઈનિંગ નહીં પણ પોતાની નિષ્ફળતા અને તેનાથી પણ વધારે ત્યારબાદ બતાવાયેલી દિલદારીના કારણે પ્રણવ અને તેના પરિવારે લાખો રૂપિયાની સ્કોલરશિપ એમ કહીને બંધ કરવાની વિનંતી કરી છે કે પ્રણવ હવે આશા મુજબ પ્રદર્શન કરી રહ્યો નથી એટલા માટે તેઓ આ પૈસા લઈ શકે નહીં.
ગત વર્ષ જાન્યુઆરીમાં ૧૬ વર્ષના ધનાવડેએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. ભંડારી ટ્રોફીમાં ઈન્ટર સ્કૂલ અન્ડર-૧૬માં કે.સી. ગાંધી તરફથી રમતા તેણે આર્ય ગુરૂકૂળ વિરૂધ્ધ ધમાકેદાર ઈનિંગ રમી હતી. ત્યારબાદ તે ચર્ચામાં આવ્યો હતો તેના પિતા ઓટો ડ્રાઈવર હતા અને આ ઈનિંગ બાદ તેને આર્થિક મદદ કરવા માટે મુંબઈ ક્રિકેટ એસોસીએશન (એમસીએ)એ સ્કોલરશિપ આપી હતી તેના અનુસાર તેને આગામી પાંચ વર્ષ સુધી દર મહિને ૧૦ હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ધમાકેદાર ઈનિંગ બાદ પ્રણવ ચર્ચામાં તો આવ્યો પણ ત્યારબાદ કોઈ કમાલ કરી શક્યો નહીં. મુંબઈ અન્ડર ૧૯માં પણ તે સ્થાન મેળવી શક્યો નહીં તેના પિતા પ્રશાંત ધનાવડે અને કોચ મોબિન શેખે સ્વકીાર કર્યો કે લોકલ લેવલે પણ તે સારો સ્કોર કરવામાં નિષ્ફળ થઈ રહ્યો છે. ધનાવડેના પિતાએ એમસીએને એક પત્ર લખી અનુરોધ કર્યો કે તાત્કાલિક અસરથી સ્કોલરશિપ બંધ કરવામાં આવે.