અમદાવાદ,તા.૩૦
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશાનુસાર જાહેર રસ્તા પર ગંદકી ફેંકનારા ધંધાકીય એકમો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. સત્તાવાળાઓએ ૧૦૦થી વધુ એકમોને સીલ કર્યા હતા. જેમાં મોટેરા વિસ્તારમાં આવેલા ડીમાર્ટનો સમાવેશ થાય છે.
પશ્ચિમ ઝોનનાં સાબરમતી વોર્ડના સ્મૃતિમંદિર પાસે મોર્ડન એરા, રામનગરમાં પ્રકાશ કોલ્ડ્રીંક, આયુષી નાસ્તા હાઉસ, બેરોનેટ કોમ્પલેકસ ચાર રસ્તા પાસેનું સત્યમ્‌ પાન પાર્લર, જવાહર ચોકમાં ચામુંડા પાન પાર્લર, ચાંદખેડા વોર્ડમાં આઇઓસી-ચાંદખેડા રોડ પરનું મિલન ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, હરસિદ્ધ સ્ટેશનરી માર્ટ, ચાંદખેડા બસ સ્ટેન્શન પાસેનું બજરંગ પાન પાર્લર, પ્રકાશ પાન પાર્લર અને ન્યુ સીજીરોડ પરનું લક્ષ્મી વેજીટેબલ માર્ટને પણ તંત્રનાં તાળા લાગ્યા હતા.જ્યારે ચાંદખેડામાં ઉત્તમ સ્વીટમાર્ટના સુભારામ ફુલાજી ચૌધરી પાસે રૂ.૩૦૦૦, શ્રી આઇ મોબાઇલ શોપના સંદીપકુમાર એન. પટેલ પાસે રૂ.ર૦૦૦ અને ચાંદખેડા બસ સ્ટેશન પાસેના ઘનશ્યામ પાન પાર્લરથી રૂ.૧૦૦૦ મળીને રૂ.૬૦૦૦નો વહીવટી ચાર્જ વસુલાયો હતો. તેમ પશ્ચિમ ઝોનના હેલ્થ વિભાગના વડા ડો. દક્ષાબહેન મૈત્રક જણાવે છે.
દક્ષિણ ઝોનનાં હેલ્થ વિભાગના વડા ડો. તેજશ શાહ કહે છે, મણિનગરમાં ત્રણ, બહેરામપુરામાં ચાર, દાણીલિમડામાં પાંચ, ઇન્દ્રપુરીમાં પાંચ, વટવામાં પાચ, ઇસનપુરમાં પાંચ, લાંભામાં પાંચ અને ખોખરામાં પાંચ મળીને આજે સવારે કુલ ૩૭ ધંધાકીય ઇસમને સીલ કરાયા હતા.
જ્યારે મધ્યઝોનમાં ખાડિયામાં છ, દરિયાપુરમાં ત્રણ, શાહપુરમાં એક, જમાલપુરમાં પાંચ, શાહીબાગમાં ત્રણ અને અસારવામાં બે મળીને કુલ ર૦ ધંધાકીય એકમને જાહેરમાં ગંદકી કરવા મામલે સીલ કરાયા હોવાનું મધ્યઝોનના વડા ડો. મેહુલ આચાર્ય જણાવે છે. દરમયાન તંત્રની જાહેર રસ્તા પર ગંદકી ફેલાવતા ધંધાકીય એકમો વિરુદ્ધ હાથ ધરાયેલી તાજેતરની ઝુંબેશ હેઠળ ૬૦૦થી વધુ એકમોને સીલ મારીને રૂ.પાંચ લાખથી વધુનો વહીવટી ચાર્જ વસુલાયો છે.