(એજન્સી) કાબુલ, તા.રર
પૂર્વીય અફઘાનિસ્તાનમાં એક સૈન્ય મથક અને પોલીસ તાલીમ કેન્દ્ર પર તાલિબાને કરેલા હુમલામાં સોમવારે સવારે ઓછામાં ઓછા ૧૦૦ લોકોનાં મોત નિપજ્યા છે. પ્રદેશના જન સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ સલેમ અસગરખેલે જણાવ્યું કે, મેદાન વર્દક પ્રાંતમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા લોકો સૈન્યકર્મીઓ હતા. કેટલાક ઘાયલોને સારવાર અર્થે પ્રાંતીય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રાજધાની કાબુલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના ઉપપ્રવકતા નસરત રાહિમીએ જણાવ્યું કે, એક આત્મઘાતી કોર બોમ્બના હુમલાખોરે પહેલાં સૈન્ય મથકને નિશાન બનાવ્યું અને ત્યારબાદ આતંકીઓએ અફઘાન દળો પર ગોળીબાર કર્યો. અફઘાની સૈનિકોએ બે તાલિબાની આંતકીઓને ઠાર માર્યા છે. તાલિબાનના પ્રવકતા જબીહુલ્લાહ મુજાહિદે મીડિયાને નિવેદન આપીને આ હુમલાની જવાબદારી લીધી છે.
અફઘાનિસ્તાનમાં સરકારી દળો અને તાલિબાની આતંકીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં ઓછામાં ઓછા પ૦ લોકોનાં મોત નિપજ્યા હતા. આ અથડામણ શનિવારે શરૂ થઈ હતી. સમાચાર એજન્સીએ પ્રાંતીય પરિષદના ડેપ્યુટી શાહ મહમૂદ નઈમીના હવાલાથી જણાવ્યું કે, તાલિબાની આતંકવાદીઓએ રવિવારે પશ્ચિમી ફરાહ પ્રાંતની રાજધાની ફરાહ શહેરની બહાર કરજી વિસ્તારમાં એક સુરક્ષા ચોકીને નિશાન બનાવી હતી, જેમાં પાંચ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા અને અન્ય કર્મીઓ ઘાયલ થયા હતા. આ ઉપરાંત, રવિવારે પૂર્વીય લોગર પ્રાંતના ગવર્નરના કાફલાને નિશાન બનાવીને કરવામાં આવેલા એક આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટમાં આઠ લોકો માર્યા ગયા અને અન્ય ૧૦ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં મોટેભાગે ગવર્નરના અંગરક્ષકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં ગવર્નર માંડ-માંડ બચ્યા હતા.
આ દરમ્યાન સરકારી દળોએ ગત ર૪ કલાકમાં ઉત્તરીય બગલાન પ્રાંતમાં ર૦ સશસ્ત્ર આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. પ્રાંતમાં સેનાના પ્રવકતા ગુલામ હઝરત કરીમીએ આ વાતની પુષ્ટિ કરી હતી. શનિવારે પશ્ચિમી બદગીસ પ્રાંતના કામારી જિલ્લામાં તાલિબાનના ઠેકાણાઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલાઓમાં આઠ આતંકીઓ માર્યા ગયા હતા અને ૬ અન્ય ઘાયલ થયા હતા. સરકારી દળોએ ઉત્તરીય ફારયાબ પ્રાંતના કેસર જિલ્લામાં ૭ આતંકીઓને મારી નાખ્યા હતા અને ૧૧ને ઘાયલ કર્યા હતા. આ ઉપરાંત શનિવારે જિરોખ જિલ્લામાં તાલિબાની આતંકીઓ પર હુમલો થતાં પાંચ આતંકીઓ માર્યા ગયા, જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા.