અમદાવાદ,તા.૮
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન(જીએસપીસી) લિ.ના રૂ.૨૦ હજાર કરોડના કૌભાંડના ભ્રષ્ટાચારની સાહી હજુ સૂકાઇ નથી ત્યાં તો, ૨૦૦૬-૦૭થી લઇ ૨૦૧૫-૧૬ સુધીના દસ વર્ષના ગાળામાં રૂ.૧૦,૬૫૧ કરોડના વિદેશી ખર્ચાઓને જીએસપીસીના પ્રોફીટ એન્ડ લોસ એકાઉન્ટમાં નહી દર્શાવાયા હોવાનો આરોપ લગાવી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રણદીપ સૂરજેવાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને સાણસામાં લીધા હતા. સૂરજેવાલાએ હજારો કરોડ રૂપિયાના આ ભ્રષ્ટાચારમાં પણ સુપ્રીમકોર્ટની નિગરાનીમાં ન્યાયિક તપાસની માંગણી કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને સિનિયર નેતા રણદીપ સૂરજેવાલાએ આજે અમદાવાદમાં મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, જયારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરાકરમાં જીએસપીસીમાંથી રૂ.૧૦,૬૫૧ કરોડ વિદેશી મુદ્રામાં ખર્ચાયા હતા. જેની કોઇ નોંધ જીએસપીસીના નફા-નુકસાનના ખાતામાં બોલતી નથી. તો આનો સીધો અર્થ એ થયો કે, આ રૂ.૧૦,૬૫૧ કરોડ કોના ખિસ્સામાં ગયા? આમ જે તે વખતે સરકારી ખજાનાની લૂંટ થઇ હોવાનું મનાઇ રહ્યું છે. તેમણે આ અંગે કેગનો ઉલ્લેખ ટાંકીને જણાવ્યું હતું કે, વિદેશમાં જીએસપીસી પાસે જે ૧૧ બ્લોક હતા અને તેને પાછા આપવાથી જીએસપીસીને રૂ.૧૭૫૭.૪૬ કરોડનું નુકસાન દર્શાવાયું છે. જો આ કેગનો રિપોર્ટ સાચો હોય તો વિદેશી મુદ્રામાં થયેલો રૂ.૧૦,૬૫૧ કરોડનો ખર્ચ કયાં વપરાયો, તેનો હિસાબ મોદી સરકાર આપે.તેમણે ઓએનજીસી દ્વારા સરકારના ખજાનામાંથી રૂ.૭૭૩૮ કરોડની ચૂકવણી કરતાં પહેલા જીએસપીસીમાં થયેલા ગોટાળા, ગેસ મળવાની શકયતાઓ સહિતના પાસાઓની તપાસ કરાઇ હતી કે કેમ તેવો પ્રશ્નાર્થ પણ સૂરજેવાલાએ ઉઠાવ્યો હતો. બીજીબાજુ, રૂ.૩૭૨ કરોડના પરચૂરણ ખર્ચાઓ વિદેશી ચલણમાં કરવામાં આવ્યા તે મુદ્દે પણ સૂરજેવાલાએ ગંભીર સવાલ ઉઠાવ્યો હતો કે, શું આ ખર્ચાઓ પરચૂરણ ખર્ચામાં નાંખી શકાય ખરા? જીએસપીસીમાં થયેલા હજારો કરોડના આ ભ્રષ્ટાચાર અને ગોટાળા મોદી સરકારના શાસનમાં થયો હોવાથી સુપ્રીમકોર્ટની નિગરાની હેઠળ એક તપાસ પંચની રચના કરવામાં આવે અને તેના મારફતે ન્યાયિક તપાસ હાથ ધરાય તેવી માંગણી પણ સૂરજેવાલાએ કરી હતી.