(એજન્સી) લખનૌ, તા.૬
યુપીના મુખ્યમંંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે એક નિર્ણય લેતા શિક્ષામિત્રોનું વેતન ૩૫૦૦ રૂા. વધારીને ૧૦ હજાર રૂપિયા કરી દીધો છે. તેવામાં શિક્ષામિત્રો આ નિર્ણયથી ખુશ લાગતા નથી. તેમણે આ મામલે વિશાળ આંદોલન કરવાની ચેતવણી આપી છે. શિક્ષામિત્રોનું કહેવું છે કે આનાથી વધારે વેતન દૈનિક મજૂરો કમાય છે. સોશિયલ મીડિયા પર પણ શિક્ષામિત્રો દ્વારા આ નિર્ણય પ્રત્યે રોેષ દાખવવામાં આવ્યો છે. તેમણે ફેસબુક પર લખ્યું કે અમે આ નિર્ણય વિરૂદ્ધ ‘પે પ્રોટેક્શન’ માટે કોર્ટમાં અરજી કરીશું. અન્ય એક ફેસબુક યુઝરે લખ્યું કે શિક્ષામિત્રના અચ્છે દિન, ૩૫ હજારના બદલે ૧૦ હજાર મળશે. યોગી સરકારના આ નિર્ણય બાદ ઉત્તરપ્રદેશ પ્રાથમિક શિક્ષામિત્ર સંઘના ઉપાધ્યક્ષ શ્યામ લાલે કહ્યું કે સરકારનો આ નિર્ણય શિક્ષામિત્રોને સ્વીકાર્ય નથી. શિક્ષામિત્રો ટૂંક સમયમાં આ મુદ્દે વિશાળ આંદોલન શરૂ કરશે. તેમણે કહ્યું કે અમારા ભવિષ્ય અંગે પ્રદેશ સરકાર બિલકુલ સંવેદનશીલ નથી. એક દૈનિક મજૂર પણ તેનાથી વધારે કમાય છે. સરકારે કયા આધારે ૧૦ હજાર વેતન નક્કી કર્યું છે. અમે આ મુદ્દે જંતર-મંતર સુધી પગપાળા કૂચ કરીશું. ઉલ્લેખનીય છે કે, મંગળવારે યોગી સરકારે ઉત્તરપ્રદેશ બેઝીક શિક્ષણ (શિક્ષક) સેવા નિયમાવલીમાં સંશોધનના પ્રસ્તાવને મંજૂરી આપતા શિક્ષામિત્રોના વેતનમાં વૃદ્ધિનો માર્ગ સાફ કરી દીધો. તેમનું વેતન ૧ ઓગસ્ટ ૨૦૧૭થી વધારીને ૧૦ હજાર રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ વધારાનો લાભ પ્રદેશના તમામ ૧,૬૫,૧૫૭ શિક્ષામિત્રોને મળશે.