(એજન્સી) નવી દિલ્હી, તા.૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પ્રત્યેક ઘરમાં વીજળી પહોંચાડવાનો પોતાનો સેલ્ફ ટાર્ગેટ પુરો કરી શકી નથી. દેશના ૨૫ રાજ્યોમાં ૨.૩૯ કરોડ ઘરોમાં વીજળી પહોંચાડ્યા બાદ હજી પણ ચાર રાજ્યોના ૧૦.૫ લાખ ઘરોમાં વીજળી કનેક્શન થઇ શક્યું નથી. એટલે કે આ ઘરો હજી પણ અંધારામાં હોવાનું સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (પીઆઇબી)ના ૨૦૧૮ના વર્ષના અંતે સોમવારે જારી કરવામાં આવેલા એક નિવેદનામાં જણાવવામાં આવ્યું છે. આસામ, રાજસ્થાન, મેઘાલય અને છત્તીસગઢમાં વિદ્યુતકરણ હજીપણ બાકી છે. વીજળી પ્રધાન આરકે સિંહે નવેમ્બરના અંતમાં જણાવ્યું હતું કે, સરકાર પોતાનો ૩૧મી ડિસેમ્બરનો લક્ષ્યાંક પુરો કરી લેશે. આ લક્ષ્યાંકને ૩ મહિના પહેલા લંબાવી દેવામાં આવ્યો હતો. મોદીના મહત્વના સુધારાઓમાં ગ્રામીણ સમુદાયમાં પોતાની પકડ મજબૂત કરવા માટે દેશમાં સંપૂર્ણ ઉર્જા પહોંચાડવાની બાબતનો સમાવેશ થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં ભાજપને બેરોજગારીના મુદ્દા અંગે લોકોના અસંતોષનો સામનો કરવો પડ્યો છે. આવી પરિસ્થિતિમાં દેશના દરેક ભાગમાં વીજળી પહોંચાડવાના અભિયાનની સફળતા મોદી અને ભાજપ માટે એક રાજકીય વરદાન પુરવાર થશે. તેમને ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણીઓનો સામનો કરવાનો છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે ગ્રામીણ વિસ્તારોમાં વીજળી ઉપલબ્ધ કરાવવા માટે ઘણા ટાર્ગેટ સેટ કર્યા છે. આ ટાર્ગેટમાં ૨૦૧૮ના અંત સુધીમાં દરેક ઘરમાં વીજળી કનેક્શન આપવાની બાબતનો સમાવેશ થાય છે. સમગ્ર દેશના પ્રત્યેક ઘરમાં વીજળી પહોંચાડ્યા બાદ આગામી ટાર્ગેટ ૩૧ માર્ચ સુધી કોઇ પણ અવરોધ વગર સતત વીજળી પુરવઠો પુરો પાડવાનો છે.