(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૯
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અંતર્ગત ૧૦ લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો જે દાવો કરવામાં આવ્યો છે તે નર્યુ જૂઠ્ઠાણું છે એમ જણાવી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું છે કે, અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ લાખ ઘટાદાર વૃક્ષો કાપવામાં આવ્યા છે. અમિત શાહનો વૃક્ષારોપણ કાર્યક્રમ માત્ર ફોટોસેશન છે તેવો આક્ષેપ કર્યો હતો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રીએ આજરોજ ૮ ઈલેકટ્રીક બસને લીલીઝંડી આપી હતી તે અંગે ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશને ઈલેકટ્રીક બસ સેવા શરૂ કરી તે આવકાર્ય પરંતુ એએમટીએસની પોતાની માલિકીની માત્ર ૪૦ બસો જ છે. બાકીની બસો ભાડેથી ફેરવાય છે જે ભાજપના મળતિયાઓને ફાયદો કરાવવા આ બસો ભાડે ફેરવાય છે. ઈલેકટ્રીક બસો તો છેલ્લા બે મહિનાથી રોડ પર ફરે છે પરંતુ આજે માત્ર ફોટોસેશન કરવા જ કાર્યક્રમ યોજાયો હતો.
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આરોપ લગાવતા કહ્યુ હતું, કે એએમસી મિશન મિલિયન ટ્રીઝ અભિયાન કરે છે. જે માત્ર એક જુઠાણું છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ લાખ વૃક્ષો કાપવામાં આવ્યા છે. રાષ્ટ્રીય વન નીતિ ૧૯૯૮ પ્રમાણે કુલ ભૌગોલિક વિસ્તારનો ૧/૩ ભાગ વન અને વૃક્ષ આચ્છાદિત હોવો જોઇએ અને પર્વતીય વિસ્તારમાં ૨/૩ ભાગ વન અને વૃક્ષ આચ્છાદિત હોવા જોઇએ, તેના બદલે રાજ્યમાં કુલ ભૌગિલક વિસ્તારમાં ૧૧.૧૭% જ વન વિસ્તાર આવેલા છે. ઉક્ત સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ૩૦૯.૦૩ ચોરસ કિમી વન વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના કુલ ક્ષેત્રફળ પૈકી ૨૧૭૩.૪૩૩૮ ચોરસ કિમી વન વિસ્તાર છે.
વધુમાં કોંગ્રેસે કહ્યું હતું, કે પ્રદૂષણ અટકાવા માટે ઇ બસ સેવા ઉપયોગ કરાય છે. પરંતુ દેશની ૨૫ સૌથી પ્રદૂષિત નદીઓની યાદીમાં ગુજરાતની મુખ્ય સાબરમતી અને તાપી નદીનો સમાવેશ થયો છે. જેમાં લાખો લિટર ગેરકાયદેસર કેમિકલ છોડાઇ રહ્યું છે. જેની કોઇ જાળવણી ભાજપના સત્તાધીશો કરી રહ્યા નથી. ત્યારે ભાજપ પહેલા નદીઓ શુદ્ધ કરવી જોઇએ જેથી હવામાન શુદ્ધ રહી શકે.