નવી દિલ્હી, તા. ૨૫
હરિયાણાના જીન્દમાં એક મોટી માર્ગ દુર્ઘટના થઇ છે. જેમાં ૧૦ લોકોના મોત થયા છે. મંગળવારની રાત્રે લોકોથી ભરેલી એક ઓટો સાથે તેલ ટેન્કર અથડાઇ જતા ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થઇ જતા ખળભળાટ મચી ગઇ હતી. મૃત્યુ પામેલા તમામ યુવાનો હિસારમાં ચાલી રહેલા એક સેના ભરતી મેળામાં મેડિકલ કરાવીને ઓટોથી પરત ફરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિને ઇજા થઇ છે. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો છે. મોડેથી તેને પીજીઆઇ રોહતક મોકલી દેવામા આવ્યો હતો. પોલીસના કહેવા મુજબ આ ઘટના જીન્દના રામરાય ગામ નજીક બની હતી. સેના ભરતી રેલીથી પરત ફરી રહેલા યુવાનો એક મોટોમાં બેસીને જીન્દ જઇ રહ્યા હતા ત્યારે બનાવ બન્યો હતો. આ ગાળા દરમિયાન રામરાય ગામની પાસે એક તેલ ટેન્કરને ઓટો ટકરાઇ ગયા બાદ ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઓટો ડ્રાઇવર અને લોકો ટેન્કરની નીચે દબાઇ ગયા હતા. જેમાં દસના તો ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા. પોલીસે કહ્યું હતું કે બનાવના સંબંધમાં તમામ સંબંધિતના પરિવારના સભ્યોને જાણ કરી દેવામાં આવી છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે કેટલાક તો મિલેટરી કેડેટ પણ હતા. એકેડમીને પણ અકસ્માતના સંબંધમાં જાણ કરવામા ંઆવી છે. પોલીસે કહ્યુ છે કે અકસ્માતને લઇને ભારે ચકચાર મચી ગઇ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનોની ઓળખવિધી કરવાના પ્રયાસ તરત જ હાથ ધરવામાં આવ્યા હતા. જો કે મોડે સુધી માહિતી મળી શકી ન હતી. અકસ્માત અંગે જાણ થતાની સાથે જ પોલીસ ટુકડી અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટ્રાફિકને પણ અસર થઇ હતી. એકેડમીના કેડેટ મામલે કોઇ જાણ ન થતા તેમાં પોલીસ વધારે ધ્યાન આપી રહી છે.