(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે દાયકામાં સૌથી શ્રેષ્ઠ દેખાવ કરનાર કોંગ્રેસે હવે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ સર્વશ્રેષ્ઠ દેખાવ કરવા કમર કસી છે. તાજેતરમાં દિલ્હી ખાતે મળેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કોર કમિટીની બેઠકમાં ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો પર જીતની શકયતા ? કેટલી બેઠકો પર જીતની નજીક પહોંચી શકાય ? અને ભાજપની પકડવાળી મજબૂત બેઠકો કઈ ? તેની પર મનોમંથન કરવામાં આવ્યું હતું.
દિલ્હીમાં રાજકીય અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં મળેલી કોર કમિટીની બેઠકમાં પ્રદેશના નેતાઓએ રાહુલ ગાંધી સમક્ષ ગુજરાતમાં દરેક લોકસભા બેઠક દીઠ પ્રેઝન્ટેશન કર્યું હતું અને લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો કઈ રીતે જીતી શકાય તે અંગે મનોમંથન પણ કર્યું હતું.
રાહુલ ગાંધી સમક્ષ કરાયેલા પ્રેઝન્ટેશનમાં કોંગ્રેસ ૯ બેઠકો પર જીતી શકે તેમ છે તેવી શકયતા દર્શાવવામાં આવી હતી. આ ૯ બેઠકોમાં સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, દાહોદ, આણંદ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણનો સમાવેશ થાય છે. જયારે કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ હોય તેવી બેઠકમાં મહેસાણા અને રાજકોટ તથા ખૂબ જ મહેનત કરવામાં આવે તો પરિણામો બદલી શકાય તેવી બેઠકોમાં જામનગર, પોરબંદર, છોટાઉદેપુર અને ખેડાનો સમાવેશ થાય છે. આમ કોંગ્રેસે રાહુલ ગાંધી સમક્ષ રજૂ કરેલા પ્રેઝન્ટેશનને જોતા કોંગ્રેસના આગેવાનો જૂથવાદ, અહમ, આંતરિક ખેંચતાણને બાજુએ મૂકી માત્રને માત્ર પક્ષ માટે જ કામગીરી કરે તો ૧૦થી વધુ બેઠકો જીતી શકાય તેવી શકયતા વ્યસ્ત થઈ રહી છે.