(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૧૮
ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાંથી દસ વર્ષિય બાળકનું અપહરણ કરી ખંડણી માંગી હત્યા કરવાના ગુનામાં ભાવનગરના શખ્સને અદાલતે આજીવન કેદની સજા અને જુદી-જુદી કલમ હેઠળ દંડ ફટકાર્યો છે.
ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ બાંભણીયાની વાડીમાં રહેતા કિશોરભાઈ જેન્તીભાઈ બાંભણીયાના દસ વર્ષીય પુત્ર સમીરને પાર્સલ લેવાના બહાને યુનિવર્સિટીના ગેટ પાસે બોલાવી અજાણ્યો યુવક સમીરનું અપહરણ કરી લઈ ગયા બાદ સમીરના મોબાઈલમાંથી ફોન કરી તેના પિતા પાસે રૂા.૩૦ લાખની માગણી કરી હતી.
આ ઘટના અંગે એલસીબી, એસઓજી એ-ડિવિઝન સહિતના પોલીસ કાફલાએ તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ કાળીયાબીડ નજીક રહેતા વિપુલ બાબુભાઈ બારૈયાની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે સમીરનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી મૃતદેહને સનેત ગામ નજીકની વાડીમાં આવેલ અવાવરૂ પાણીની ટાંકીમાં ફેંકી દીધાની કબુલાત આપી હતી.
ત્રણ વર્ષ પહેલાની આ ઘટનાનો કેસ ભાવનગરના પાંચમાં એડિશનલ સેશન્સ જજ એમ.જે. પરીહારની કોર્ટમાં ચાલી જતાં આરોપીને અપહરણ તથા હત્યાના ગુનામાં કસુરવાર ગણી આજીવન કેદની સજા અને જુદી જુદી કલમ હેઠળ રૂા.સવા લાખનો દંડ ફટકાર્યો છે.