લુણાવાડા,તા.૩૧
લુણાવાડામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ રડ્યા. ગુજરાત રાજયમાં સૌથી ઓછું પરિણામ ૧૧.૭૪ ટકા લુણાવાડા કેન્દ્રનું આવ્યું. તગડી ફી વસૂલતી અનેક શાળાઓની શિક્ષણ ગુણવતા સામે પ્રશ્નાર્થ ઉઠ્યા. કેન્દ્રમાં આદિત્ય સ્કૂલનું ૯૫ ટકા પરિણામ આવ્યું છે.
આજરોજ ધોરણ-૧૨ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું જેમાં મહીસાગર જિલ્લાના કુલ ૧૦૮૩૫ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ૧૦૭૦૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સમગ્ર જિલ્લામાં ૩૨.૬૯ ટકા પરિણામ આવતા માત્ર ૩૪૯૮ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે લુણાવાડા કેન્દ્રનું ગુજરાત રાજયમાં સૌથી ઓછું પરિણામ માત્ર ૧૧.૭૪ ટકા આવ્યું હતું. સમગ્ર મહીસાગર જિલ્લામાંથી એક પણ વિદ્યાર્થી એ ગ્રેડ સાથે પાસ થયેલ નથી. જ્યારે એ ૨ ગ્રેડ સાથે ૨૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. પરિણામ આવતા સાથે જ જાણે વિદ્યાથીઓ અને વાલીઓમાં ગમનો માહોલ ઊભો થયો હતો. આટલા ઓછા પરિણામમાં પણ આદિત્ય સ્કૂલનું પરિણામ ૯૫ ટકા આવ્યું હતું જે નોંધનીય બાબત હતી. પરિણામ જાહેર થતાં સાથે જ મોટી સંખ્યામાં શાળાઓ ધરાવતા લુણાવાડા કેન્દ્રની તગડી ફી વસૂલી જાહેરાત માટે લાકો રૂપિયા વેડફ્તી શાળાઓની શિક્ષણ ગુણવતા સામે અનેક પ્રશ્નો ઉઠ્યા હતા.
લુણાવાડાના એક બુદ્ધિજીવી વ્યક્તિના મત અનુસાર ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું આટલું ઓછું પરિણામ ખતરાની ઘંટી સમાન છે. બાળકોને જરુર કરતાં વહેલા સ્માર્ટ મોબાઈલ હાથમાં પકડાવી દેવાતા શોસિયલ મીડિયાના અતિઉપયોગના કારણે પરિણામ ઉપર માઠી અસર થઈ છે જ્યારે વાલીઓ શાળાઓમાં શિક્ષણની ગુણવતા નહીં પરંતુ શાળાના મકાનનો બાહ્ય દેખાવ અને વધુ ફી ઉપર મોહી પડે છે જે સારા શિક્ષણની કોઈ જ ખાતરી આપતું નથી. આટલા ઓછા પરિણામના કારણે ભવિષ્યમાં સામાન્ય પ્રવાહની કોલેજના એડમિશન ઉપર પણ ખૂબ માઠી અસર જોવા મળશે.