હિંમતનગર,તા.૧૪
સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાં વાહન ચોરીઓના બનેલા બનાવોને ધ્યાનમાં રાખી સાબરકાંઠા એલસીબી દ્વારા શંકાસ્પદ હિલચાલ કરતા ઈસમો પર નજર રખાઈ રહી છે ત્યારે બાતમીને આધારે એલસીબીએ ખેરોજ પાસેથી વાહન ચોર ટોળકીના બે સાગરીતોને ઝડપી લઈ તેમની પાસેથી રૂા.૩.૪૦ લાખના ૧૧ બાઈક કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે એલસીબીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબરકાંઠાના ખેરોજ, કોટડા છાવણી, ઈડર સહિત અન્ય સ્થળે વાહનચોરીના વધેલા બનાવોથી પોલીસ તંત્રની નિંદ હરામ થઈ ગઈ છે. ત્યારે એલસીબીને બુધવારે એવી બાતમી મળી હતી કે ખેરોજ ત્રણ રસ્તા નજીક બે શખ્સો શંકાસ્પદ હિલચાલવાળા ફરી રહ્યા છે જે આધારે પોલીસે મેવા માલિયા ગમાર (રહે.બીલવન) તથા મીઠિયા રામાભાઈ (રહે.નીચલાબુઝા, તા.કોટડા છાવણી)ને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી નંબર પ્લેટ વગરનું બાઈક મળી આવ્યું હતું.
જેથી એલસીબીએ આ બંને જણાની કડક પુછપરછ કરતા તેઓ વાહન ચોરીમાં સંડોવાયેલા હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે તેમને સાથે રાખી વિવિધ સ્થળે જઈ રૂા.૩.૪૦ લાખના ૧૧ બાઈક કબજે લીધા હતા. ઉલ્લેખનીય છે કે આ બંને જણાએ અગાઉ ખેરોજ, જાદર, ઈડર, ડીસા, માઉન્ટઆબુ, હિંમતનગર, વણજ, દેરોલ, પાટણ સહિત અન્ય સ્થળેથી તેમના સાગરીતોની મદદથી વાહનો ચોર્યા હતા. જેથી પોલીસે આ બંનેને સાથે રાખી વાહનચોરીમાં સંડોવાયેલા સાગરિતોની શોધખોળ હાથ ધરી છે.