(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
ક્રાઇમ બ્રાંચ પોલીસે જામ્બુવા બ્રિજ પાસેથી સોમવારની મોડીરાત્રે એક યુવાનને ચોરીની મોટરસાઇકલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસની પુછપરછમાં આ યુવાનને દોઢ માસનાં સમયગાળામાં શહેરમાંથી ૧૧ જેટલી મોટરસાઇકલ ચોરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ચોરીની ૧૦ મોટરસાઇકલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, શહેરમાં વધતી જતી વાહન ચોરીને ડામવા માટે ક્રાઇમ બ્રાંચના ડિ.સી.પી. જગદીપસિંહ જાડેજાએ પોતાના અધિકારીઓને પેટ્રોલીંગ અને વોચ રાખવા સુચના આપી હતી. જેથી ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ જામ્બુવા બ્રિજ પાસે પેટ્રોલીંગમાં હતા તે વખતે શંકાસ્પદ હાલતમાં બાઇક લઇને પસાર થતા એક યુવાનને પો.સ.ઇ. એન.જી. ચૌધરી તથા સ્ટાફે રોકી તેની પુછપરછ કરતાં તેને પોતાનું નામ શાબીર યુનુસભાઇ પટેલ (ઉ.વ.૨૨, રહે. ભટ્ટ કોલોની, વલણ, તા.કરજણ) હોવાનું જણાવ્યું હતું. બાઇક અંગે પુછપરછ કરતાં તેને આ બાઇક છ માસ અગાઉ કમાટીબાગ પાસેથી ચોરી હોવાનું જણાવ્યું હતું. પોલીસની વધુ પુછપરછમાં તેને દોઢ માસમાં શહેરનાં સયાજીગંજ, રેલ્વે સ્ટેશન અને કડક બજાર પાછળનાં ભાગમાંથી પાર્કિંગમાં પાર્ક કરેલ ૧૦ જેટલી બાઇકોની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. પોલીસે તેની પાસેથી રૂા.૧.૭૫ લાખની ચોરીની ૧૦ બાઇકો કબ્જે કરી હતી. ઝડપાયેલ શાબીર પટેલ શહેરની એમ.એસ.યુનિ.માં બી.કોમ.ના બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. તેમજ કોમ્પ્યુટરનો કોર્ષ પણ કરેલ છે. તે બપોરનાં સમયે પાર્કિંગમાંથી બાઇકો ચોરી કરી વલણ તથા પાલેજ ખાતે લોકોને ફાઇનાન્સનાં વાહનો જણાવી રૂપિયા મેળવતો હતો.