(એજન્સી) રાંચી, તા.ર૮
ઝારખંડમાં છેલ્લા ર૪ કલાકમાં આવેલા વાવાઝોડાને પગલે ડઝનેક લોકો ઘાયલ થયા છે. જ્યારે વીજળી પડવાને કારણે ઓછામાં ઓછા ૧૧ લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યમાં આ મહિનામાં વિપરીત હવામાનને પગલે ૧૮ લોકોનો ભોગ લેવાયો છે. રવિવારે સાંજે ઝારખંડની રાજધાની રાંચી સહિત ઝારખંડના અન્ય ભાગોમાં ઝડપી પવન ફૂંકાયો હતો અને આ વાવાઝોડાને પગલે ડઝનેક વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા હતા. વીજળીના થાંભલાઓ પડી ગયા હતા અને આ વિસ્તારોની નજીકમાં આવેલા ગામોના ઘણા બધા ઘરોના છાપરાઓ ઉડી ગયા હતા. રવિવારે બપોરથી લઈ મધ્યરાત્રી સુધીમાં રાંચીના ખલારી વિસ્તારમાં બે, ગિરિદિહમાં ર, જ્યારે રામગઢ, હજારીબાગ, કોડરમા અને લોહારદાગામાં એક-એક વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ખલારીમાં મૃત્યુ પામનાર શખ્સોની ઓળખ બિટ્ટુ તૂરી અને રાહુલ તૂરી તરીકે થઈ છે કે જેઓ રવિવારે ખલારીમાં આવેલા ચૈનગઢમાં ધાર્મિક કાર્યક્રમને જોવા માટે આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તેઓ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એક વૃક્ષ નીચે ઊભા હતા. તે દરમિયાન તેમના પર વીજળી પડતાં તેમના મોત નિપજ્યા હતા. છત્રા જિલ્લામાં અન્ય ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે હરહાર ગામમાં એક જ પરિવારના ૬ સભ્યો વીજળી પડવાને કારણે મોતને ભેટયા છે.