પાઝ,તા.૪
દક્ષિણ અમેરિકી દેશ બોલીવિયાની રાજધાની લા પાઝના પશ્ચિમોતરમાં શનિવારે એક રાજમાર્ગનું ભૂસ્ખલન થતા ૧૧ લોકો મૃત્યુ પામ્યા છે અને જ્યારે અન્ય ૨૦ લોકો ઘાયલ થયા છે. બોલીવિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે આ માહિતી આપી હતી. અહેવાલો અનુસાર, સંરક્ષણ મંત્રી જેવિયર જવાલેટાના હવાલાથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ’અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોત થયા છે અને ૨૦ જેટલા લોકો ઘાયલ થયા છે.’ નિવેદનમાં અન્ય અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકાનો પણ સંકેત આપવામાં આવ્યો છે.
નિવેદનમાં કહેવાયું છે કે બચાવ અભિયાનમાં હજુ થોડા દિવસો પણ લાગી શકે છે અને કેટલાક વાહનો હજુ પણ કાટામાળની અંદર દબાયેલા છે. નિવેદનમાં જો કે તેમની ચોક્કસ સંખ્યાનો ઉલ્લેખ કરાયો નથી. આ નિવેદન મુજબ ’વહીવટીતંત્રના અંદાજ અનુસાર, કાટમાળમાં ફસાયેલા કેટલાક સંભાવિત મૃતદેહો અને વાહનોને બહાર કાઢવામાં હજુ થોડા દિવસો લાગશે. ભારે વરસાદ પછી શનિવારે સવારે પુએંટે અર્માસ નામક સેક્ટરમાં રોડની નીચેથી માટીનો એક મોટો ટુકડો તૂટી પડ્યો હતો જેમાં ઘણા વાહનો દબાઇ ગયા હતા.
૧૬૧ કિલોમીટર લાંબો રાજમાર્ગ લા પાઝને કારાનવી નગરથી જોડે છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ’મોટાભાગના ઘાયલોને લા પાઝથી ૧૦૨ કિલોમીટર દૂર કોરોઇકો નગરમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ અન્ય લોકોને લા પાઝમાં દાખલ કરવામાં આવ્યા છે.’ બુલેટિન અનુસાર રાહત કાર્યોમાં પોલીસ કર્મીઓ અને અગ્નિશમન કર્મચારીઓની મદદ માટે ઓછામાં ઓછા ૧૫૦ સુરક્ષાકર્મીઓને ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા છે.’