છાપી, તા.ર૮
વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર આવેલી કોર્નર નામની બેકરીમાં સોમવારની મધ્યરાત્રી અચાનક આગની જ્વાળાઓ નીકળતા હાઇવે ઉપર અફડાતફડીના માહોલ વચ્ચે લોકોના ટોળે-ટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં છાપી પોલીસ સહિત જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ છાપી હાઇવે ઉપર આવેલી કોર્નર બેકરી આગળ શનિવારે ઓટોરિક્ષા પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે લઘુમતી સમાજના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી જેની કથિત અદાવત રાખી સામેના જૂથ દ્વારા બેકરીમાં આગ ચંપી કરાઈ હોવાનો વિરોધી જૂથે આક્ષેપ કર્યો હતો. આ ઘટનાને લઈ છાપી હાઇવે ઉપર પરિસ્થિતિ કાબૂ બહાર જાય તે પૂર્વે છાપી પોલીસ સહિત પાલનપુર તેમજ વડગામ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. બેકરીમાં આગની ઘટનાને લઈ દુકાનમાંથી ધુમાડાના ગોટે-ગોટા સાથે આગની જ્વાળાઓ નીકળતા ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. લોકોએ આગ બૂઝાવા કવાયત હાથ ધરી હતી. જો કે, પાલનપુરથી ફાયરફાયટર ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને લઈ અસલમભાઈ જમાલભાઈ ઢુંકકા (રહે. માહી તા વડગામ)એ સીસીટીવી ફૂટેજના આધારે બેકરીમાં આગ ચંપી કરનાર એક ઈસમ તેમજ દસ શકમંદો ઉપર છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે છાપી પોલીસે તપાસ હાથ ધરી હતી.
છાપી હાઇવે ઉપર આવેલી બેકરીમાં આગની ઘટનાને લઈ ઉશ્કેરાયેલા ટોળાએ હાઇવે ઉપર આવેલા અન્ય કેબીનો સહિત છાપરા તેમજ લારીઓમાં તોડફોડ કરતા અફડાતફડી મચી હતી.
બેકરીમાં આગ ચંપી કરનાર આરોપી બેકરી પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાં લગાવેલ સીસીટીવીમાં કેદ થતા આ શખ્સ વિરૂદ્ધ નામ જોગ ફરિયાદ નોંધાવા પામી હતી.
છાપી હાઇવે ઉપર બેકરીમાં આગ ચંપી ના બનાવને લઈ હાઇવે સ્થિત તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી સખ્ત વિરોધ આ ઘટનાને વખોડી કાઢી વિરોધ દર્શાવ્યો હતો.
કોની સામે ફરિયાદ નોંધાઈ
સીસીટીવી ફૂટેજ આધારે આગ ચંપી કરનાર ઇમરાન ઇબ્રાહિમ બલોચ (રહે.છાપી) તેમજ ૧૦ શકમંદ (૧) ઇકબાલખાન નાગોરી (૨) મોહસીન ઉર્ફે લાલો ઇકબાલ નાગોરી બંને (રહે. છાપી) (૩) શાહરૂખ પપ્પુ કસાઈ (૪) ઈમ્તિયાઝ ફિરોજખાન પઠાણ (૫) ઇમરાન પઠાણ (૬) મોયુદ્દીન રાઠોડ (૭) જાકિર લાકડા વાળો તમામ (રહે.વેસા) (૮)ઇરફાન ચીકનવાળો (૯) જહાંગીર સાગ્રા (૧૦) વસીમખાન સાગ્રા સામે ફરિયાદ નોંધાઇ હતી.
છાપી હાઇવે ઉપર એક બેકરીમાં આગ લાગવાની ઘટનાને લઈ અફડા-તફડી મચવા સાથે વાતાવરણ તંગ બનતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આગની ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ હાઇવે ઉપર તોડફોડ કરતા ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.