(એજન્સી) તા.૪
કોટાના મુર્તજાઅલીએ શનિવારે જણાવ્યું કે, તેઓ શહીદોના પરિવારના લોકો માટે વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાં ૧૦૦ કરોડ આપશે, તે માટે તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં ઈમેલ કરીને ભારતના વડાપ્રધાનને મળવાનો સમય માંગ્યો છે. જેના જવાબમાં વડાપ્રધાન કાર્યાલયનો જવાબ મળ્યો કે, બે-ત્રણ દિવસની અંદર વડાપ્રધાનને મળવાનો સમય નક્કી કરવામાં આવશે. સમાચાર મુજબ મુર્તજાઅલી કોટાના રહેવાસી છે અને તેઓ જન્મથી જ નેત્રહીન છે. તેમણે કોટાના કોમર્સ કોલેજથી અભ્યાસ કર્યો છે. તેમણે ત્યાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમનો કૌટુંબિક ઓટોમોબાઈલનો વેપાર હતો. નેત્રહીન હોવાના કારણે તેમાં નુકસાન થઈ રહ્યું હતું. આવામાં તેમણે મોબાઈલ અને ડિશટીવીના ક્ષેત્રમાં કામ શરૂ કર્યું. વર્ષ ર૦૧૦માં તેઓ કોઈ કામથી જયપુર ગયા, ત્યાં એક પેટ્રોલ પંપ પર તેલ લઈ રહ્યા હતા, ત્યાં એક વ્યક્તિના મોબાઈલ પર ફોન આવ્યો, તે વ્યક્તિએ ફોન રિસિવ કર્યો અને આગ લાગી ગઈ, તેનું કારણ જાણવા માટે તેમણે સ્ટડી શરૂ કરી. આ રીતે તેમણે ફ્યુલ બર્ન રેડિયેશન ટેકનોલોજીનો વિકાસ કર્યો. આ ટેકનોલોજી દ્વારા જીપીએસ, કેમેરા અથવા અન્ય કોઈ ઉપકરણ વિના જ કોઈ પણ વાહનને ટ્રેસ કરી શકાય છે. જણાવી દઈએ કે, મુર્તજાઅલી બર્ન રેડિએશન ટેકનોલોજી દ્વારા જીપીએસ, કેમેરા અથવા અન્ય કોઈ ઉપકરણ વિના જ કોઈપણ વાહનને શોધવાની ટેકનોલોજીનો આવિષ્કાર કરી ચૂકયા છે. આ સમયે મુર્તજાઅલી, મુંબઈમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરી રહ્યા છે. એક કંપનીની સાથે કરારથી તેમને સારી એવી રકમ મળે છે.