(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૩
પગારની વિસંગતતા દૂર કરવી, બઢતી નિમણૂક, પેન્શન સહિત વિવિધ મુદ્દે સોમવારથી હડતાળ પર ઉતરેલા રાજ્યના ૧૧ હજારથી વધુ તલાટીઓ બીજા દિવસે પણ કામકાજથી અળગા રહેતા પંચાયતી કામગીરી ખોરવાઈ ગઈ છે. તલાટીઓએ તેમની માગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ જારી રાખવાનું એલાન કરેલ હોવાથી સરકાર દ્વારા સમાધાન માટેના પ્રયાસો શરૂ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યનાં અનેક જિલ્લામાં ફરજ બજાવતા આશરે ૧૧ હજાર જેટલાં તલાટી મંત્રીઓએ સોમવારે પડતર પ્રશ્ને કામગીરીથી અળગા રહી વિરોધ કાર્યક્રમ આપ્યો છે. બઢતી, નિમણૂક, કામગીરી અને પેન્શન વગેરે પ્રશ્ને તલાટી મંત્રીઓને અન્યાય થઈ રહ્યો છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી તેથી તલાટી મંત્રીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે રાજ્યભરમાં તલાટીઓ કામથી અળગા રહ્યા હતા અને જ્યાં સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી હડતાલ જારી રહેશે તેમ તલાટી મંત્રીઓએ જણાવ્યું હતું. આ બાબતે આજે તલાટી મંત્રીઓએ બેઠક પણ કરી હતી અને જુદા-જુદા પ્રશ્ને ચર્ચા કરી હતી તેમ ભાવનગર જિલ્લાના તલાટી મંત્રી મહામંડળના પ્રમુખ અરવિંદસિંહ ગોહિલે જણાવ્યું હતું. તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે બીજો દિવસ છે. રાજ્યના ૧૧ હજારથી વધુ તલાટી હડતાળ પર જતા રાજ્યમાં મહેસૂલનાં કામમાં મુશ્કેલીઓ વધવાની શક્યતાઓ છે. પેન્શન યોજના, જોબચાર્ટ સહિતના મુદ્દે યોગ્ય નિર્ણય લેવા તલાટીઓની માંગ છે.