ભૂજ, તા.૨૬
ભૂજમાં અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના એનઆઈસીયુમાં માસૂમ બાળકોનાં મોતનો આંકડો ખૂબ જ ઊંચો હોવાની ચોંકાવનારી વિગતો આવ્યા બાદ સરકારે તપાસ કરવા માટે ત્રણ સભ્યોની એક ટીમ તા.૨૬/૫ શનિવારના રોજ ભૂજ ખાતે અદાણી સરકારી હોસ્પિટલમાં મોકલી હતી. આ ટીમના ત્રણ સભ્યો એવા ડૉ.હિમાંશુ જોષી (ગાંધીનગર), ડૉ.ભદ્રેશ વ્યાસ (જામનગર) અને ડૉ.કમલ ગોસ્વામીએ ભૂજ ખાતે અદાણી જી.કે.જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને જાતે માહિતી મેળવી હતી. ભૂજની અદાણી સંચાલિત સરકારી હોસ્પિટલમાં છેલ્લા ર૦ દિવસમાં ૧૯ બાળકોનાં મોતનો ખુલાસો મૃતક બાળકોના વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે જ્યારે અદાણી સત્તાધીશોએ એવો ઢાંકપીછોડો કરી ખુલાસો કર્યો છે કે, છેલ્લા ત્રણ વર્ષના આંક કરતા હાલ બાળકોનાં મોતનું પ્રમાણ ઓછું છે. બાળશીશુઓ માટેની સારવારમાં રહેલી ત્રૂટીઓને સ્વીકારવાના બદલે અદાણી સંચાલકોએ જણાવ્યું કે, હોસ્પિટલમાં સારવાર માટે આવનાર બાળ દર્દીઓનું સ્વાસ્થ્ય જ ખરાબ હતું ! એટલે મૃત્યુઆંક વધ્યો છે. અરે ભઈ, સ્વાસ્થ્ય બરાબર નહોતું ત્યારે તો સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા !… આવો સવાલ વાલીઓએ ઉઠાવતા અદાણી હોસ્પિટલના સંચાલકો ભોઠા પડી રહ્યા છે. સરકારે તપાસ માટે મોકલેેલી ત્રણ તબીબોની ટીમે ભૂજ ખાતે જણાવ્યું કે, તેઓ અદાણી સંચાલિત સરકારી હોસ્પિટલમાં ર૬ બાળકોના થયેલા મોતની તપાસ માટે આવ્યા છીએ. અદાણીના મેનેજમેન્ટે કબૂલ્યું હતું કે, છેલ્લા પાંચ મહિનાઓમાં ૧૧૧ બાળકોનાં મોત થયાં છે. આ મુદ્દે કોંગ્રેસના અગ્રણીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને લડાયક અગ્રણી આદમ ચાકીએ કચ્છના કલેક્ટર રેમ્પા મોહનને પણ આ માટે દોષિત ગણાવી જણાવ્યું કે, અદાણી સરકારી હોસ્પિટલનું સંચાલન થાય છે તે સમિતિના ચેરમેન ખુદ જિલ્લા કલેકટર રેમ્પા મોહન છે. બાળકોનાં મોત માટે તેમણે તકેદારી રાખવી જોઈતી હતી. સમિતિએ કોંગ્રેસના અગ્રણીઓની રજૂઆત પણ અલગથી સાંભળી હતી. આ સમિતિ પોતાના રિપોર્ટ સરકારને સોંપશે અને હવે સરકાર આ મુદ્દે કેવા પગલાં ભરે છે. તેના ઉપર પીડિત વાલીઓની નજર રહેશે.