શનિવારે રાત્રે દિલ્હી પોલીસે મંજૂરી આપ્યા બાદ રવિવારે સાંજે દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે ટ્રેક્ટર રેલી માટે અનેક નિયંત્રણો જાહેર કર્યા

આંદોલન સાથે જોડાયેલા સ્વરાજ ઈન્ડિયાના નેતા યાદવે ખેડૂતોને અપીલ કરી છે કે, તે દિલ્હીની અંદર માત્ર ટ્રેક્ટર લાવે, પોતાની ટ્રોલી લઈને ન આવે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
ઘણા દિવસ ચાલેલા ઘર્ષણ બાદ આખરે કિસાનોને દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી મળી ગઈ છે. રવિવારે સાંજે દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે કહ્યુ, કિસાનોની ઈચ્છાને જોતા કેટલીક શરતોની સાથે ટ્રેક્ટર રેલીને મંજૂરી આપવામાં આવી છે. કિસાન સિંધુ, ટીકરી અને ગાઝીપુર બોર્ડરથી દિલ્હીની અંદર પહોંચશે.
તો કિસાન આંદોલન આંદોલન સાથે જોડાયેલા સ્વરાજ ઈન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે કિસાનોને અપીલ કરી છે કે તે દિલ્હીની અંદર માત્ર ટ્રેક્ટર લાવે, પોતાની ટ્રોલી લઈને ન આવે.
પરેડને લઈને કિસાન સંગઠનો અને દિલ્હી પોલીસ વચ્ચે શનિવારે વાતચીત થઈ હતી. તે સમયે દિલ્હી પોલીસે સિંધુ બોર્ડરથી ખરખૌદા ટોલ પ્લાઝાનો રૂટ પરેડ માટે ઓફર કર્યો હતો. આ રૂટ ૬૩ કિલોમીટરનો હતો.
ટ્રેક્ટર રેલી પર દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે કહ્યુ કે, આજે કિસાનો સાથે સારો સંવાદ રહ્યો. દિલ્હીના ત્રણ સ્થળો પર ટ્રેક્ટર રેલીને મંજૂરી છે. આ ત્રણેય બોર્ડર પર બેરિકેટ હટાવી દેવામાં આવશે. કેટલીક શરતોની સાથે મંજૂરી આપવામાં આવી છે. આ રેલીમાં ગડબડ થવાના ઇનપુટ્‌સ પણ મળ્યા છે. કેટલાક પાકિસ્તાનના ટિ્‌વટર હેન્ડલ પર અમારી નજર છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે કહ્યુ કે, કિસાનોની સાથે તમામ પાસાઓ પર વાત થઈ છે. સંપૂર્ણ સન્માન સાથે ટ્રેક્ટર રેલી નિકળે તે અમારો પ્રયાસ છે. ટ્રેક્ટર રેલીમાં ગડબડીને લઈને પાકિસ્તાનથી ટિ્‌વટર હેન્ડલ ચલાવવામાં આવી રહ્યાં છે. તેવા ૩૦૮ ટિ્‌વટર હેન્ડલની જાણકારી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન પર ઉતરી ગયા છે. આંદોલનમાં અનેક લોકોના મોત થયા છે અને ઘણા લોકોએ આત્મહત્યા પણ કરી લીધી છે. ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલીને લઇને વાતચીત ચાલી રહી છે. ઘણા સમયથી ટ્રેક્ટર રેલી યોજવાને લઇને પોલીસ દુવિધામાં હતી પરંતુ આજે રેલીને શરતી મંજુરી આપી દેવામાં આવી છે.