ગાંધીનગર,તા.૯
ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે કે સરકારી પ્લેન અને હેલિકોપ્ટરના માત્ર મેઈન્ટેનન્સ પાછળ છેલ્લા બે વર્ષમાં રૂા.૧ર કરોડથી વધુ ખર્ચો કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે મંગળવારે પ્રશ્નોત્તરી હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પ્રશ્ન પૂછ્યો હતો કે તા.૩૧ મે ર૦૧૯ની સ્થિતિએ વછેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા સરકારની માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેઈન્ટેનન્સ તેમજ પાયલોટ સહિત અન્ય સ્ટાફ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો ? ધારાસભ્ય શેખના પ્રશ્નના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે પ્લેન માટે તા.૧ જૂન ર૦૧૭થી તા.૩૧મે ર૦૧૮ દરમિયાન રૂા.ર.૩૯ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે જ્યારે તા.૧ જૂન ર૦૧૮થી તા.૩૧ મે ર૦૧૯ દરમિયાન રૂા.૩.ર૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે હેલિકોપ્ટરનો વર્ષ ર૦૧૭-૧૮માં રૂા.૩.૪૩ કરોડ અને વર્ષ ર૦૧૮-૧૯ દરમિયાન રૂા.૩.૩૦ કરોડનો ખર્ચ કરાયો છે. આમ છેલ્લા બે વર્ષમાં પ્લેન માટે રૂા.પ.૯ર કરોડ જ્યારે હેલિકોપ્ટર માટે રૂા.૬.૭૩ કરોડ મળીને કુલ રૂા.૧ર.૬૬ કરોડનો માતવર ખર્ચ માત્ર બે વર્ષમાં કરવામાં આવ્યો છે. આમ સરકારે બે વર્ષમાં સરકારી પ્લેન અને હેલિકોપ્ટર મેન્ટેનન્સ પાછળ રૂા. ૧ર કરોડથી વધુ ખર્ચી નાખ્યા છે.